પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખલાલ દીવાનખાનાની બહાર ટેલિફોન પર ગયો ત્યારે સુશીલા એ ગાજતા રિસીવરને ફોનથી અલગ મૂકતી હતી. ભાભુ અંદર બેઠાં હતા: ફોન વરંડામાં હતો.

સુશીલા સમજી કે સુખલાલ પોતાનો ટેલિફોન કરવા આવ્યો છે. નજીક આવવા દઈને પછી એ બોલી ઊઠીઃ "હમણાં ન લેતા."

"કેમ?"

"ગરમ છે." સુશીલાએ વિનોદ કર્યો. એ વિનોદમાં ન સમજેલો સુખલાલ સહેજ ખસિયાણો પડી જઈ પૂછતો હતોઃ

"કોનો હતો ફોન? શેઠ પૂછાવે છે."

"કોઈનો નહીં, મારી બે'નપણીનો હતો."

એ બોલતાં બોલતાં સુશીલા ગાલ પર પડેલા ગલ વરતાયા.

"ફોન ઉપાડશો નહીં, બેનપણી બહુ લપી છે," કહેતીકને સુશીલા ભાભુ પાસે જવા લાગી.

"તમને પોલીસ અમલદાર પાસે હમણાં જ બોલાવવાનાં છે." સુખલાલે એક દમ છાંટ્યો.

"પુરુષો જવાબ નહીં આપી શકતા હોય..." એટલું સંભળાવતી સુશીલા ગઈ અને ભાભુ પાસે બેઠી બેઠી દીવાનખાનામાં ચાલતી વાત સાંભળવા લાગી.

થોડી વાર પછી અમલદારની વિદાય થઈ ગઈ. ખુશાલ જઈને એને લિફ્ટ સુધી પહોંચાડી આવ્યો. પાછા આવીને એણે રજા માગીઃ "લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા તે તો હજુ બાકી રહે છે."

"પણ મારે બાકી રાખીને જવું નથી." એમ કહેતો સુખલાલ આગળ આવ્યોઃ "હું બે વાતો માગવા આવ્યો છું: એક તો મારા બાપે કરી આપેલ ફારગતી પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતી કરી દેવા તૈયાર છું. ને બીજું મને બતાવો દાક્તરી સર્ટિફિકેટ, જે તમે મારા શરીર માટે લખાવી લીધું છે."

ખુશાલને આ બેઉ વાતોમાં નવું અજાણ્યું રહસ્ય લાગ્યું.