પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બેસો ચંપકભાઈ. બેસ, ભાઈ સુખલાલ; ઉશ્કેરા નહીં સુખા!" એમ કહીને બેસાડી ખુશાલે પૂછ્યું:

"શેની ફારગતી? શેનું સર્ટિફિકેટ?"

"સર્ટિફિકેટ શેનું? પૂછો ને એને! મારી તો કહેતાં જીભ તૂટી પડે છે. એણે ઊભું કરેલ છે મારી નામર્દાઈનું દાકતરી સર્ટિફિકેટ! એનાં હું ચિરાડીયાં કરવા ને કાં એ દાક્તરનું નામ લેવા આવેલ છું."

"નામર્દાઈ ? નામર્દાઈનું સર્ટિફિકેટ ? દાકતરી સર્ટિફિકેટ ? ખુશાલે ચંપક શેઠ તરફ જોયું: "ને શેની ફારગતી?"

"મારા વેવિશાળની ! મારા બાપને રાતે પાણીએ રોવરાવીને એ સર્ટિફિકેટની ડરામણી દઈને લખાવી લીધેલી." સુખલાલના હોઠ બોલતાં ધ્રૂજતા હતા.

"તું ધીરો થા, ભાઈ!"

"હું ધીરો નથી રહી શકતો. હવે આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું. આ માટે મારા બાપાને આંસુ પડાવ્યા? મને પીલી પીલી દવાખાને કૂતરાને ઢરડે એમ ઢરડી નખાવો હતો, તેથી શું ધરવ નહોતો થયો?"

સુખલાલને આ નવી જીભ ફૂટી હતી. ચંપક શેઠનું અપમાનિત અને લજ્જિત મોં નીચું ઢળ્યું હતું. સુખલાલનો ઉશ્કેરાટ સાંભળતાં સાંભળતાં 'ભાભુ' છેક બારણામાં આવી ઊભાં હતાં.

સૌએ એકાએક સુખલાલને ધ્રૂસકાં ભરતો ભરતો રુદન કરતો જોયો- સાંભળ્યો. સાચો રોષ યૌવનમાં રુદન કરાવે છે ને પ્રૌઢાવસ્થામાં આંસુ સૂકવી નાખે છે.

"ક્યાં છે એ કાગળિયાં, હે ચંપકભાઈ? હવે કાંઇ આ વાતુંના ભવાડા શોભશે, બાપા?"

એક કહીને ખુશાલે સુખલાલનો હાથ ઝાલ્યો; કહ્યું: "તુ શાંત રહે, ભાઈ સુખલાલ! શેઠ એ બેઉ કાગળો રજૂ કરે. તું તારે હાથે એનાં ચિરાડીયાં કર, પછી શેઠની મરજી ફારગ જ થવાની હોય તો તું