પૃષ્ઠ:Vevishal.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારે હાથે જ ફારગતી લખી દે."

"કોઈની ઈચ્છા હો ન હો, મારે તો ફારગતી જ આપવી છે, ને ફારગતી મેળવવી છે." સુખલાલના ગળામાં દર્દનો ચંબુ છલકતો હતો.

"પે'લા નંબરની વાત. સૌ પોતપોતાના દરજ્જા ને સંસ્કારને બંધબેસતો સંસાર માડે એમાં જ સુખ છે. તું તો શાણો જવાન છો. ભાઈ સુખા! લ્યો, ચંપકભાઈ, હવે અત્યારે ટાણું સાચવી લ્યો. ત્રણ ઉપરાંત ચોથું ચકલુંય જાણશે નહીં. એ દસ્તાવેજોના નાશના આપણે ત્રણ જ સાક્ષી રહેશું. જાવ, લઈ આવો જ્યાં મૂક્યા હોય ત્યાંથી."

ખુશાલે એ કાળમુખા દસ્તાવેજો લાવવાનું કહ્યું ત્યારે ચંપક શેઠ છોભીલા મોંએ ફકત સામે જ જોઈ રહ્યા, પણ ઊઠ્યા નહીં.

"કાંઈ નહીં, અત્યારે ને અત્યારે કાંઈ ઉતાવળ નથી," એમ કહીને ખુશાલે ટોપી પહેરી, વાળ સરખા કર્યા. પછી છેક અરધા કપાળને ઢાંકેલી ટોપી એણે ઊંચકીને ગુંડાશાહી અદાથી માથાની એક બાજૂએ ટેડી કરતે કરતે કહ્યું: "કાલે પાછા રાતે અમે આંહીં આવશું; ત્યાં સુધી તમે નિરાંતે વિચાર કરી શકશો. ઉતાવળ નથી. હાલો સુખાભાઈ, સારા માણસના મકાનમાં મારા જેવા નાગા ગણાતા આદમીને આ બાપડા જીવ ક્યાં સુધી સંઘરી બેસશે?"

બંને ઊઠીને ચાલ્યા ત્યારે ભાભુ બારણામાં જ ઊભાં હતાં. એણે કહ્યું: " અરે રે, ભાઈ, એવું શીદ બોલો છો? આંહીં જ બેય જણ રાત રહી જાઓ ને!"

"ના ઘેલીબે'ન, હું જૂંઠું નથી બોલતો," એણે કહે તે કહેતે ટોપી ટેડી હતી તેને પાછી સંપૂર્ણ સભ્યપણે શિર પર ઢાંકી. "તમે ન જાણો, ઘેલીબે'ન! તમે કલ્પીય ક્યાંથી શકો, કે તમારી બે'નપણી હેમીબાઈ સાધવીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક 'નાગો આદમી' ગણાતો હશે? પણ વાત ખરી છે. કોઈ આબરૂદારના ઘરમાં મારો રાતવાસો ન જ હોય. એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. ઘેલીબે'ન! સાપનો ગુણ જ