પૃષ્ઠ:Vevishal.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલામાં તો બેઉ ભાઈઓ બેઠા હતા ત્યાં સુશીલા દાતણ મૂકવા આવી. એનું મોં રોજના જેવું પ્રફુલ્લિત નહોતું. પાણીના લોટા, બે લીલાં દાતણ અને મીઠાની શીશી મૂકીને એ ચૂપચાપ ચાલી ગઈ.

"છોકરીના મન ઉપર અત્યારથી જ ઝાંખપ ઢળી ગઈ છે, જોયું ને?" મોટા શેઠે દાતણ છૂંદતા છૂંદતા કહ્યું.

નાનો ભાઈ મૂંગે મોંએ દાતણ ચાવવા લાગ્યો.

"પ્રાણિયા !" મોટા શેઠે શાક લઈને આવનાર ગુમાસ્તાને કહી દીધું. "સ્ટેશને જા, ને થોરવાડાથી સુખલાલ આવે છે તેને ઉતારી પેઠી ઉપર જાજે. તમારી સૌની સાથે ઉતારો રાખજો."

"મને જઈ આવવા દીધો હોત!" નાના શેઠે ફરી એક વાર ડરતે ડરતે ઈચ્છા બતાવી.

"પણ, એવી શી જરૂર છે?" મોટા ભાઈએ મોં પર સખતાઈ આણીને કહ્યું,"હું કહું તેમ કરતો આવ્ય ને , બાપા? ઠાલી શીદ ફજેતી કરાવ છ ?"

પછી તો નાના શેઠે ચુપકીદી રાખીને દાતણ પતાવી દીધું. ચા પીને પેઢી પર ગયા, ત્યારે સુખલાલ આવીને બેઠો હતો. એણે બેઉ સસરાઓને મૂંગા જે જે કર્યાં. જવાબમાં મોટા શેઠે ફક્ત "આવો" એટલો જ શબ્દ કહ્યો.

સુખલાલની બાજુમાં તે વખતે હોટેલની ચાનાં કપરકાબી પડ્યાં હતાં. ચા પિવાઈ ગઈ હતી.

"બેવકૂફ!" મોટા શેઠે પેઢી પરના ઘાટીને તડકાવ્યો, " ભાન છે કે નહીં ? કપ તો હટાવી લે આંહીંથી."

એ ઠપકાના તીરનું નિશાન તો પોતે જ હતો, એમ સુખલાલને, પોતે ગામડામાંથી ચાલ્યો આવતો હોવા છતાં, લાગ્યા વગર રહ્યું નહીં. એણે જાતે કપરકાબી ઉપાડીને ઘાટી તરફ હાથ લંબાવ્યો.

"ત્યાં જરા ભીનું કપડું લાવીને લૂછી નાખજો." મોટા શેઠે ઘાટીને નવી સૂચના આપી. એ પ્રત્યેક આજ્ઞા અને મહેતાઓ-ગુમાસ્તાઓને