પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તિજોરીની અંદરથી કાઢેલા એ બેઉ દસ્તાવેજો - એક સુખલાલના પિતાનું લખત ને બીજું ડૉક્ટર પાસેથી મેળવેલું બનાવટી સર્ટિફિકેટ - બંને ખુલ્લા ફરફરતા હતા. થોડી વાર આની સામે તો ઘડીક પેલાની સામે શેઠ તાકતા હતા. ફરી ફરીથી વાંચતા હતા.

કાગળોની ઊઘડતી ને પાછી સંકેલાતી ગડીઓનો જે ખરખરાટ થતો હતો તેનો સ્પર્શ પણ લેતા સુશીલાના કાન સુશીલાની આંખો સાથે સંગ્રામ મેળવી રહ્યા હતા. આ દસ્તાવેજો શેના છે, મોટા બાપુજી શાના એ કાગળો વારંવાર તેજુરીમાંથી કાઢમૂક કરતા હતા? તે દિવસ મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઊઠેલા આક્રંદ-સ્વરો શાને કારણ હતા, અને મારી સગાઈની નવી તજવીજો કરવા પાછળ કયું કારણ હતું - તે સુશીલાએ અત્યારે સુખલાલની આવેગભરી વેદના-વાણી પરથી પકડ્યું હતુ. ને ને થયું કે હિરણ્યકશ્યપના પાપે લોઢાનો તત્પ્ત થંભ જો ફાટ્યો હોય, તો આટલું પાપ સંઘરતી પિતૃઘરની તેજુરી કેમ હજુ સલામત છે?

કાલે રાતે એ આવશે ત્યારે શું થશે?? મોટા બાપુજીને સ્પષ્ટ કહેતાં જીભ ઉપડતી જ નથી. તોફાન-કજિયો થશે તે હું કેમ કરીને રોકી શકીશ?

"ભાભુ." એણે અવાજ કર્યો. ભદ્ર પ્રકૃતિની એ સ્ત્રી ફક્ત પોતાના ધર્મનાં પાંચ સાદાં નવકાર મંત્રનાં પદો વડે જ આ સામટી ક્ષુબ્ધતાને ઓલવી નાખી શકી હતી, ઊંઘમાં પડી હતી. મનના ક્લેશનાં ગંજો ને ગંજો જરા જેટલા જળથી ધોઈ શકાય છે. ધર્મસ્તોત્રનાં એ પાંચ પદો, એકાદ રામધૂન, એકાદ માળા કે સૂવા ટાણાની એકાદ તસબી ડહોળાયેલા ચિત્તતંત્રને સ્વપ્નહીન નિદ્રાને શાંત ખોળે સુવાડી દેવા સમર્થ હોય, તો એની એ પાર્થિવ ઉપયોગિતા જ શું પરમ ધાર્મિકતા નથી?

ઊંધતાં ભાભુને ઊઠાડવા માટે ફક્ત શરીર પર હાથ અડાડવો જ બસ થયો. જાણે સૂતાં જ ન હોય તેવી સ્વસ્થતાથી એણે હોંકારો દીધોઃ "કેમ ગગી? મને બોલાવી તેં?"

"હા, થોડુંક કહેવું છે."