પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કહે."

"મને વચન આપો કે મારી મરજી વિરુધ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી નહીં જાય. સૌ છોડે તોય તમે મને નહીં છોડો."

"વચન આપવું બાકી છે, ગગી? સૌને છોડીને તને સાચવતી શું હું નથી બેઠી?"

"ને ભાભુ," સુશીલાને જૂની વાત યાદ આવીઃ "ઓલ્યાં હેમીબે'નની જેમ તમે દીક્ષા લેશોને, તો હું યે તમારી સાથે દીક્ષા લઈશ. પછી છે કાંઈ?"

"ઘેલી થઇ? દીક્ષા! જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને! ઘર જેવું કોઈ દેવસ્થાન છે. ગગી! બીક રાખ્યા વગર સૂઈ જા."

નવાઇ તો લાગેજ ને, કે બે જ પળમાં બેઉ શહેરી માનવીઓ તાજાં જન્મેલાં બાળકોના જેવી નીંદરમાં પડ્યાં

જે નિદ્રા આ બે સરલહૃદયા સ્ત્રીઓને મળી હતી તેણે તદ્દન નજીકના શેઠના શયનાગારમાં એમ મટકું પણ નહોતું મોકલ્યું. વિચારોનાં સરપગૂંચળાં ચંપક શેઠનાં મસ્તકમાં સળવળતાં જ રહ્યાં. આખરે એને મોટામાં મોટા એક ભયની છાયા પડી. ટેલિફોનની ઘંટડી વાગીઃ "હું વિજયચંદ્ર બોલું છું. આવું તે હોય કે શેઠ? ટેલિફોન કરી કરી થાકી ગયો, આખરે માંડ કોઈકને જામીન કરી છૂટ્યો છું. આપે મને મદદ કરવી જ જોશે; મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે; કાલે સવારે દસ વાગ્યે મળવા આવું છું." વગેરે.

અવાજમાં આદેશના જ સ્વરો હતા.

શેઠને ભય પેસી ગયો. આ વિજયચંદ્ર પોતાના બચાવ માટે મને તેમ જ સુશીલાને પોતાના સાહેદરૂપે અદાલતમાં ખેંચાવશે તો? સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કૉર્ટમાં મારી સુશીલા? હજાર આંખોનાં ભાલાં વચ્ચે મારી દીકરી? મારી લાડલી સુશીલા?

એના દર્પનો તો ચૂરો થઇ ચૂક્યો હતો. આ ભગ્નગૌરવના ઉકરડા ઉપર બેઠેલું એનું હૃદય પોતાને ખાલી ખાલી અને સૂનું સૂનું ન લાગે