પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેટલા ખાતર હજુ પોતાની પ્રત્યે થોડો દર્પ ધારણ કરી રાખવા માગતું હતું, પણ અદાલતમાં વિજયચંદ્રને હાથે સુશીલાના ઘસડાવાના વિચાર સંસારની આ એકની એક સ્ત્રી પરના તેના સ્વામિત્વના દર્પને દળી નાખી તેના મગજમાં એવી રીતે ઘૂમી રહ્યો હતો, જે રીતે આપણે સૂતા હોઇએ ને ઘરના ખપેડામાં કાળો નાગ આંટા મરતો હોય.

રાત્રી ઝમ ઝમ ચાલી જતી હતી, શ્વાસોચ્છશ્વાસના અવાજ પણ સિસકારા મારતા સરપો સમા થતા હતા.પોતે વાદળી ગ્લોબવાળી બત્તી પેટાવીને પત્નીના ઓરડા તરફ ગયો, હૈયા પર લળીને ધીમેથી પૂછ્યું:

"જાગો છો?"

પત્નીએ આંખો ક્યારે ઉઘાડી એની તો ખબર પડી જ નહીં, "આવી હો!" એટલા જ શબ્દો, જરાકે નિંદેભર્યા નહીં પણ રાતરાણીનાં ફૂલો જેવા સંભળાયા. સુશીલા ન જાગી જાય તેવી સલૂકાઈથી એ પતિના પલંગ પાસે જઈ ઊભી રહી.

પતિએ નજીક ખેંચી કે પોતે એના સ્પર્શમાત્રથી આપોઆપ ખેંચાઈ ગઈ? એ તો વીજળીનો વાદળરંગી દીવો જાણે - આપણને શી ખબર?

"બચાડા જીવ!" ભાભુ-હૃદયનો એ શબ્દ જગતનાં સૌ કોઈને માટે નીકળતો હતો.એ ઉદ્‍ગાર અત્યારે નીકળ્યા વગર જ આત્માના ઘુમ્મટમાં ઘૂમરાટ કરતો રહ્યો, ને એમણે પતિના શરીરે હાથ પસાર્યો.

...કેટલાં વર્ષ પછી?

પતિએ કહ્યું :"સવારની ગાડીમાં તમે ને સુશીલા દેશમાં જશો?"

એ જ વાક્ય રાતે કહ્યું હતું. ત્યારે તરત જ પગનો ચંપલ છૂટ્યો હતો! એ જ વાક્ય અત્યારે બોલાયું. પણ ત્યારે તો પત્નીના કંઠ ફરતી પતિના કરની માળા રચાઈ.