પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એને બાપડાને કયા ખબર છે કે આ દિવસ છે કે રાત ?"

"તમારું શરીર સાચશો ને?"

"એ તો સચવાશે."

"એક વાત કહેવા દ્યો તો કહું."

"ના. એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી. મારા મનમાં નીગંઠ ગાંઠ પડી ગઈ છે. એ રોંચાના ખંડેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી એ તું વજ્રલેપ જાણજે. આજ રાત્રે એ છોકરો જે બોલી ગયો છે તે મારા કાનમાં કડકડતું તેલ થઈને રેડાણું છે. તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ, જૂનાગઢ વગેરેમાં ઠેકાણાં ઘણાં છે, તપાસ રાખજે - હું યે આંહી બેઠો બેઠો તજવીજ કરીશ."

પત્નીના હાથ તે વખતે પતિના પગનાં તળિયાં ઉપર ફરી રહ્યા હતા. એણે માથું નમાવીને ધીરે ધીરે એ પતિ-ચરણો પર અડકાડી દીધું. પણ જેનું કપાળ બેહદ સંતપ્ત હતું તેના પગનાં તળિયાં શીતળ હોઈ ન શકે. એ પગની રજ લલાટે લીધી ન લીધી થઈ. પતિના હૃદયમાં એકેય કૂંપળ ફૂટી નહીં. ગર્વની ઘાયલ થયેલી ફ્ણા ફરી પાછી ટટ્ટાર થઈ ગઈ હતી. વાદળિયા દીવાના સૌમ્ય શીતળ પ્રકાશને પણ ઉકાળી ખદખદાવી નાખે તેવી, પતિની અભિમાન-વેદના ને ઓલવવા માટે મનમાં ને મનમાં ધર્મના શાંતિપાઠ રટતી પત્ની આખરે નિરાશા લઈને પોતાની પથારીએ ચાલી ગઈ, ત્યારે એનું મન કહેતું હતું કે 'આ મેળાપ શું છેલ્લી વારનો છે? ફરી વાર શું આ ઘરમાં આવવાનું નથી ?'

સવારે જાગેલી સુશીલાએ કાઠિયાવાડ જવાનું ભાભુ સાથેનું પરિયાણ સાંભળ્યું ત્યારે તેનું અંતર પોતાની સાતેક વર્ષની બાલ્યાવસ્થાના નદીતીરે જાણે પાછું વળ્યું , પોતાનાં કપડાં એણે અર્ધા કલાકમાં ભરી લીધાં; પોતે જાણે કોઈ અજગર-મુખમાંથી બહાર નીકળવાની હતી. પોતે શા માટે જતી હતી, ક્યાં જતી હતી, કેટલા દિવસને માટે-એનું જ્ઞાન પામવાની જરૂર નહોતી. એક કેદખાનેથી બીજા કેદખાને જતો કેદી પણ જે મીઠી રાહત અનુભવે છે, તે શું ઓછી હોય છે?