પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવારે સાડા સાત વાગ્યે મોટરે ઘર છોડ્યું. મોટા બાપુજી પણ સ્ટેશન સુધી વળાવવા સાથે ચાલ્યા. પુત્રીનો સગો પિતા મોટાભાઇની કરડી હાજરીમાં દીકરીને 'આવજે બહેન , સાચવીને રે'જે,'એટલું લાડવચન પણ ન કહી શક્યો. જતાં જતાં પુત્રીના નયન પિતાની દશા દેખી સજળ બન્યાં. પિતાના જેવો કોઇ એકલવાયો દુ:ખી આ ઘરમાં નથી, તેનું ભાન સુશીલાને પહેલી જ વાર થયું. બાપ-દિકરી એકેય દિવસ ભેળાં બેસીને વાતો નહોતાં કરી શક્યાં. ઝાડ ઉપરથી ઝાડની છાલ જુદી પડે છે ત્યારે છાલને ઉતરડાવું પડે છે. સુશીલા એ જ રીતે પિતાના જીવન પરથી ઉતરડાઇને ચાલી.

સ્ટેશન પર ગાડી ઉપડવાને ત્રણ જ મિનિટની વાર હતી ત્યારે સુશીલાએ સેકન્ડ ક્લાસ દરવાજામાં પ્લેટફોર્મ-પાસ દેખાડીને દાખલ થતો જુવાન દીઠો.

એ આવનાર વિજયચંદ્ર હોઈ શકે જ કેમ ? એ મકકમ ચાલ નહોતી. એ કોટ પર કરચલીઓ પડી હતી. એ ટોપીમાંથી વાળની લટો બાહર ડોકાઇને મસ્તકની અસ્થિરતાની ચાડી ખાતી હતી. મોં પરનો પસીનો ચૂસતો એ રેશમી રૂમાલ કોઇ કબાટની લૂળ લૂછતા મસોતાનો કુટુંબી ભાસતો હતો.

છતાં એને સુશીલાની આંખોએ પારખ્યો. દેખતાં જ એણે હેબત ખાધી, મોં ફેરવી લીધું, માથે સાડી સરખી કરી.

આવનાર વિજયચંદ્ર હતો. દસ વાગ્યે આવવાનો હતો, પણ અધીરો બની સવારે જ શેઠને ઘેર પહોંચેલો. રાતમાં બનેલી બીનાથી અજાણ રહેલા સુશીલાના પિતાએ એને સમાચાર આપ્યા કે તરત એ ટેક્સી દોડાવીને સ્ટેશને આવી પહોંચ્યો.

"વાહ રે વાહ !" એણે શ્વાસભેર કહ્યું, "મને ખબર પણ ન આપ્યા?"

"તમને કોણે કહ્યું ?" ભોંઠા પટેલા ચપંક શેઠે પૂછી જોયું.

"નાના શેઠે."