પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાના બેવકૂફ નાના ભાઈ પર ચપંક શેઠને તે વખતે એટલી ચારી થઈ કે ઘેર પહોંચી તમાચો ચોડવાનું મન થયું.

"કેમ એકાએક ?" વિજયચંદ્રે પૂછ્યું,

"શરીરે ઠીક નથી રહેતું એટલે હવાફેર કરવા."

"પણ આંહીં કયાં ડોકટરોનો દુકાળ છે? નાહક દેશની પાંચ શેર ધૂળ ખાશે, મને પૂછવું તો હતું? આ તો ઠીક નથી થતું . હજુય કહું છું કે દાદર સ્ટેશને ઉતારી લઈએ."

એક શ્વાસે એણે ધોધમાર ઉદ્ગારો કાઢ્યા. પ્રત્યેક ઉદ્ગાર સુશીલાને વીંછીંના ડંખ સમ વાગ્યો. રાતે ટેલિફોન પર પાંચ વાર ઉચ્ચારેલા 'નફ્ફ્ટ' શબ્દને છઠ્ઠી વાર ઉચ્ચારીને પરખાવવા મન થયું કે 'હજુય મારી માલિકી થઈ ચૂકી માને છે, નફ્ફ્ટ !'

"અને અમારા દેવનાં દશેરાનાં નિવેદ પણ કરવાં છે."ચંપક શેઠે બચાવ વધાર્યો.

એ એક મિનિટમાં તો ડબાની બારી પાસે વિજયચંદ્ર બેત્રણ રીતે ડોકાયો, પણ સુશીલાના મુખની એક રેખા પણ જોયા વગર રહી ગયો.

પોતાને હિંમતવાન માનનાર ચંપક શેઠના મોંમાંથી આ જુવાનની ધૃષ્ટતાને ડારતો એક બોલ સરખોય બહાર ન નીકળી શક્યો.

ગાડીની સીટી વાગી અને એન્જિનનો આંચકો લાગ્યો કે તરત વિજયચંદ્રે "લ્યો ત્યારે, મારેય દાદર કામ છે તે..." એમ બોલી ડબાનું બારણું ખોલી પ્રવેશ કર્યો. ચપંક શેઠ વીલે મોંએ થોડી વાર પ્લેટફોર્મ પર ઊભા રહી પાછા વળ્યા.

વિજયચંદ્રે પોતાની ગુમ થયેલી સ્વસ્થતાને પાછી ધારણ કરવા તાત્કાલિક પ્રયત્નો માંડી દીધા. એણે ભાભુ-સુશીલાવાળા ખાનામાં જ બેસવા બેઠક ગોતી. બંને સામસામી પાટલી પર બેઉ સ્ત્રીઓનાં બિછાનાં લાંબાં થયાં હતાં. ન સુશીલાએ એની સામે જોયું , ન ભાભુએ નજર કરી. છતાં જ્યારે એણે બિછાનાને એક છેડે બેઠક લેવા શરીર નમાવ્યું . ત્યારે ભાભુએ એને કહ્યું : "ભાઈ , તમે બાજુના ખાનામાં બેસો તો સારું."