પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાભુએ ધારણ કરેલી આ કઠોરતામાં સુશીલાને જાણે કે સંગ્રામમાં ઊતરવાની પરવાનગી આપતો ને ચાનક ચડાવતો ભેદી નાદ હતો.

બાજુના ખાનામાં જઈને પણ વિજયચંદ્રે ભાભુની ને પોતાના વચ્ચે ફક્ત ઓડિંગણનું પાટિયું જ રહેવા દીધું. ભાભુએ શરીર સંકોડીને અંતર વધાર્યું અને સમોવડ બે'નપણીની માફક સુશીલાને વાતોએ ચડાવી. આડીઅવળી, નકામી-નલામી, જે કાંઈ બાબત હાથ ચડી તેના ઊપર મોટે અવાજે અને મોકળા મને વાર્તાલાપ માંડનાર ભાભુનો દુત્તો ઈરાદો સુશીલા પણ વરતી ગઈ, વિજયચંદ્રને એ વાતોની સંજવારીમાં એક તણખલાની જેમ વાળીઝાડી નાખી દાદર સ્ટેશન સુધી અળગો ને અળગો રાખવાનો એ આશય હતો. ભાભુમાં આટલી કાબેલિયત ભરી છે તે જ્ઞાન સુશિલાને પણ પહેલવહેલું જ થયું, ને એ છોકરી ગજબ તાનમાં આવી ગઈ. ભોળાપણું , ભદ્રિકતા, ગાંભીર્ય, ગરવાઈ વગેરે ભાભુના ગુણો નીરોગી તેમ જ સ્વયંસ્ફુરિત હતા એટલે જ એની પાંદડીઓના સંપુટમાં આ વિનોદનો પરિમલ સચવાયો હતો.

દાદર સ્ટેશને ભાભુ-સુશીલાવાળા ખાનાને દરવાજેથી ઊતરવાની હામ હારી બેઠેલો વિજયચંદ્ર બીજે બારણેથી ઊતરી ગયો, ત્યારે બંને‌એ ફરી શાંતિ ધારણ કરી.

આખી મુસાફરીમાં સુશીલા એક કૌતુક અનુભવી રહી હતી. ભાભુની દૃષ્ટિ જાણે કે સુશીલાની એકે‌એક ક્રિયાને, પ્રત્યેક ચેષ્ટાને બારીકીથી માપી રહી હતી. દિવસની ગાડી હોઈ સ્ટેશને સ્ટેશને ભાતભાતનાં ઉતારુ ચડતાં-ઊતરતાં, બેસવા દરમિયાન સુખદુખની વાતો ચલાવતાં, ગંદકી કરતાં, બાળકોને રમાડતાં-રોવરાવતાં, ગાંઠિયા દેતાં ને ઢીંકો મારતાં. સુશીલા તેમનાથી બિસ્તર કે સાડી સંકોડતી નહોતી; તેમનાં છોકરાંની કોઈ રીતે સારવાર કરતી. કોઈને ઉપલા પાટિયા પર ઘોડિયાનું ખોયું બંધાવવા મદદ કરતી, ને પાસે બેઠેલી માતાઓના ખોળામાં બાળકો દેખી પૂછાપૂછ કર્યા કરતી: કેટલાં વર્ષનું થયું ? શું ખવરાવો છો? એના બાપ કયાં છે? તમે કેમ એના બાપથી નોખાં રહો છો? ગામડે શાની