પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મજૂરી કરો? દવાદારૂનું શું થાય? વગેરે.

મુંબઈની છોકરીઓ જે વાતોમાં દેશી લોકા જોડે કદી જ રસ ન લઈ શકે, તે બધી વાતોમાં દિલને પરોવતી ભત્રીજી ભાભુને તદ્‌ન 'દેશી' લાગી. ઘેર માસ્તર રાખીને પાંચ ચોપડી અંગ્રેજી ભણી છે એવું કશુંય આત્મભાન આ છોકરીને નહોતું. રસ્તામાં વાંચવા સુશીલા એકેય ચોપડી -વાર્તાની કે કવિતાની- નથી લાવી તે પણ ભાભુને મન એક મર્મ ભરી વાત હતી.

"ત્યારે રસ્તો કેમ કરીને ખુટાડીશ, બાઈ ?"એ પ્રશ્ર્નના જવાબમાં સુશીલા કહેતી હતી કે "આટલાં બધાં માણસો જગતમાં ભર્યાં છે એની જાણે કે મને ખબર જ કેમ નહોતી, એવું એવું થાય છે ભાભુ ! એવું કેમ થતું હશે, હેં ભાભુ?"

"ડાહી બહુ ! મુંબઈમાં તો માણસગંધીલી થઈને ઘરમાં ભરાઈ રહેતી !"

"કોણ જાણે કેમ, ભાભુ, પણ આંહીં ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે. આ ધાવણભર્યાં મોંવાળાં છોકરાંની સોડમ મીઠી લાગે છે."

સ્ટેશને સ્ટેશને ઊતરતી સ્ત્રીઓને સુશીલા કહેતી હોય કે,"તમે પહેલાં ઊતરી જાવ, બે'ન ! પછી હું તમારો છોકરો તમારા હાથમાં આપું છું, ઊતરો, ડોશીમા, પછી તમારું પોટકું હું તમને ઉતરાવવા લાગું."

આખે માર્ગે આ એનો શોખ હતો. એમાં દયા નહીં પણ પ્રસન્નતા હતી. કોઈ ઉતારુને વિશે 'અરેરે બિચારાં' જેવો ઉદ્ગાર એણે કાઢ્યો નહીં. આટલાં બધાં લોકોને જોવાનો-મળવાનો કેમ જાણે એ રાંકધરવ ન કરી રહી હોય !

રાતના નવેક વાગ્યે ગાડી સાબરમતી પાર કરીને કાઠિયાવાડમાં પ્રવેશતી હતી ત્યારે સૂતેલી સુશીલા એકાએક આંખ ઉઘાડી બેઠી થઈ ચારે બાજુ જોવા લાગી : "ભાભુ !" એટલું બોલ્યા પછી વધુ ઉચ્ચાર ન કાઢી શકી.