પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલાએ સામે ન જોયું એટલે ભાભુએ એને વધુ ચીડવનાર ચેષ્ટા ચાલુ રાખી કહ્યું : "મને તો લાગે છે કે તારા મોટા બાપુજી અગમચેતી રાખીને વેળાસર જ પોલીસખાતામાં જઈ કહી આવ્યા હશે કે, આજ રાતે અમુક ટાઇમે અમારે ઘેર બેચાર મવાલી આવનાર છે, માટે છૂપી પોલીસ મારે ઘેર બેસાડો. અને અત્યારે તો એ રઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને 'માફ કરો,માફ કરો' કહેતો ઊભો જ નહીં હોય?"

મોં ફેરવી ગયેલી સુશીલાના કાન ઊલટા ભાભુની નજીક થયા. ભાભુએ અવાજ પણ વધાર્યો. ભાભુ પોતાના ચિત્રમાં વધુ રંગો પૂરતાં ગયાં :

"ને તું જોજે ને, તારા મોટા બાપુજી પગમાં માથું મૂકીને એ આંસુડે પગ ધોતો ધોતો માફી માગશે. તારા મોટા બાપુજીના જેવી ફારગતી લખાવશે એવી એ લખી દેશે. એમ તો તારા બાપુજીના હાથ લાંબા છે; એમ કાંઇ તારા મોટા બાપુજી કોઇથી ગાંજ્યા જાયા તેવા નથી ! એ સુખલાલની તો બધી ઉફાંદ બેસારી દઈને મુંબઈનો કેડો જ છોડાવી દેશે."

બોલતાં બોલતાં ભાભુના મોંમાંથી સોપારી ખૂટી ગઈ હતી. જામનગરી સૂડી લઈને ભાભુ નવો ચૂરો કરી મોંમાં ઓરતાં હતાં. પાસે બેઠેલ માણસના સોપારી ખાતી વેળાના બચકારા ઘણી વાર આપણને બરછી જેવા લાગે છે. સુશીલાના કાનમાં એ બચકારાની તેમ જ બોલાતા શબ્દોની બેવડી બરછી ચાલતી હતી. ભાભુ સામે કદી ન બોલાયેલું એવું કાંઇક અત્યારે બોલાઈ જશે, એ બીંકે સુશીલા બહાર ભાદરવા માસનો બફારો તેમ જ અંદર ખિજાયેલા હૃદયનો ઉકળાટ છતાં ઓઢીને સૂઈ ગઈ. ભાભુને તો આથી પોતાની વક્ર વાણીને વહેતી રાખવાની વધુ અનુકૂળતા મળી; વધુ પાનો પણ ચડ્યો. એણે પોતાનું મોં છેક સુશીલાના મોં સુધી નીચું લઈ જઈને ચાલુ કર્યું : "એ તો સારું થયું કે એ સુખલાલે બહાર લિફ્ટ આગળ તારી કાંઇ છેડતી ન કરી - એ આવેલ તો ઘણોય