પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તને ભરમાવીને નીચે લઈ જવા. ને પછી ફોસલાવી-પટાવી મોટરમાં ઉપાડી જ‌ઇ લગન કરી લેવા, બાપુ ! એ તો મુંબઈમાં જેવા મવાલી વિજયચંદ્ર તેવા જ રઢિયાળા સુખલાલ : બધા એક જ વિદ્યા ભણેલા ! પારકી છોકરીને લાગ ગોતીને ફસાવી દેવી- પણ આ તો તારા મોટા બાપુજી રહ્યા પોંચતા માણસ, એટલે..."

ઓઢેલી ચાદર ફગાવી દઈને સુશીલા બેઠી થઈ ગઈ, એટલું જ બોલી : "મને સંતાપવાથી તમારા હાથમાં શું આવે છે ? " ત્યાં તો એની ડોળા ઘુમાવતી આંખોમાંથી ડળક ડળક આંસુનાં જાણે દડબાં પડ્યાં.

"તને સંતાપું છું હું ?" ભાભુએ અચંબાનો દેખાવ ચાલુ રાખ્યો :

"અરે બે'ન, હું તો ઊલટાની તારી ચિંતાનું ટાળણ કરું છું, તને હિંમત આપું છું."

"આવ્યાં મોટાં...!" સુશીલા જળભરેલા ડોળા ઘુમાવતી એટલું જ બોલી શકી.

"પણ હું શું મોટી આવી ? તારા મોટા બાપુજી..."

"મારે નથી સાંભળવી..."

"તો કાંઈ નહીં -ચિંતા તો તું જ કરતી'તી !"

"કરતી'તી ! મોટાં ! સમજે નહીં ને !..."

"તો હું તારા પેટની વાત શું સમજું , બાઈ , કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપુજીની ચિંતાનું, ને ચિંતા કરતી હઈશ કોઈક બીજાની ?"

હજુય બોલતાં ભાભુના મોંમાંથી સોપારીના ચૂરાના બચકારા નહોતા ખૂટ્યા. હજુય એમની આંખો ને એમના હોઠ ઉપર એક અર્ધસ્ફુટ, અગમ મલકાટ તોળાઈ રહયો હતો. એ બધુંય જોઇ-સાંભળી સુશીલા ગૂંચવાઇ ગઇ. એનો કંઠ પ્રથમ રૂંધાયો ને પછી ભેદાયો. એણે પોતાનો અવાજ દબાવી લેવા માટે ભાભુના ખોળામાં માથું દાટી દીધું. ભાભુએ એની પીઠ પંપાળતાં પંપાળતાં કહ્યું : "કાઠિયાવાડની હવા અડી ન અડી ત્યાં તો છોકરાંય કેવાં દુત્તાં બની જાય છે ? હેં, બોલ તો ખરી, તારા મોટા બાપુજીને હેમખેમ વાંછીશ કે બીજા કોઇને ? હેં ? સાચું કહી દે."