પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમે-તમે તો ભારી ધરમી છો ! કોક બીજાને તેજાબ છાંટવાની ને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે મોટામાં !" એટલું કહીને સુશીલાએ ફરી મોં ભાભુના ખોળામાં દાટી દીધું .

"તો પછી તને સુખલાલની દયા આવી હતી એમ તારે ચોખ્ખું કહેવુ'તું ને , બાઈ ! મને તારા પેટની શી ગતાગમ પડે, બે'ન ?"

"હવે મને કયાં સુધી બાળશો ?"

"તું પેટછૂટી વાત નહીં કર ત્યાં સુધી."

થોડી વાર ક્શો જવાબ સુશીલાના મોંમાંથી નીકળ્યો નહીં, ભાભુએ પૂછ્યું :

"તને હું કેમ લઈ જાઉં છું કાઠિયાવાડમાં , જાણછ !"

"કેમ ?"

"તારા વેવિશાળનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા."

"કરો તો ખરાં-જોઈ લઈશ !"

"શું કરીશ ?"

"તે વખતે જે સૂઝશે તે."

"તારા મોટા બાપૂજી તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માગે છે !"

"માગે છે- પોતાની આબરૂને વધારવા. "

"આબરૂદાર તો આબરૂદારને ગોતે જ ને ?"

"ભાભુ, હું કહી રાખું છું : મારે માટે કયાંયે જોશો નહીં , કોઈને જોવા બોલાવશોયે નહીં,"

"ને બોલાવશું તો ?"

"તો હું બોબડી, બે'રી ને લૂલી હોવાને ઢોંગ કરીશ; હું બૂમબરાડા પાડીશ - આવનારા ભાગી જ જવાના."

"તો પછી તેં શું ધાર્યું ?"

"કેમ જાણે પોતાને ખબર ન હોય !"

"સુખલાલ –?"