પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલા બોલી નહીં, મૌનભર્યા કલેજાને સંઘરતો બરાબર છાતીનો જ દેહભાગ ભાભુના હાથ નીચે હતો. પોતાના શરીરને સ્પર્શમુક્ત રાખતાં આવેલાં ભાભુ સુશીલાનો કાળજ-થડકાર બરાબર પારખી શક્યાં. સુશીલા સાડીનો છેડો ચાવતી બોલી :

"બીજાંનાં પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડયું છે, તે કેમ કોઈ દિવસ કહેતાં નથી ?"

"મારું કહ્યું શા કામનું ? તેં નક્કી કર્યું હશે તેમાં મારે કહ્યે શું કરવાનું ?"

"એમ હોય તો હું આજ સુધી શા સારુ ખમતી હોત ?"

"ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે ?"

"મારે વાટ કયાં જોવાની જ છે ? હું તો તમારી સાથે જ જડાયેલી છું."

"એટલે ?"

"એટલે , તમે ના પાડશો તો કાયમને માટે તમારા ચરણોમાં જ બેસી રહીશ."

"ઠીક ત્યારે, ચાર દિવસની વાટ જોજે. જેવું હશે તેવું તને આજથી બરોબર ચોથે દિવસે કહીશ."

"મને એક જ બીક છે."

"હોય તે કહી દે."

"તમે મારા મોટા બાપુજીની એટલી બધી ભક્તિ કરો છો ને, કે..."

"કે હું તને એના હાથમાં સોંપી દઇશ, એમ ને ?"

જવાબમાં છોકરીનું આખું શરીર ભાભુની હથેલીને મૂંગી ધડક ધડક કંપારીનો સ્પર્શ કરાવી રહ્યું.

"તો તો આટલા દિવસ હું શા માટે જવા દેત ? તો તો એમના પગનું..." ચંપલના મારની તાજી કથા હોઠે આવીને દોટાદોટ પાછી વળી હૈયામાં ઊતરી ગઈ.