પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ને તું શાંતિથી સૂઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ નહીં થયું હોય. તારા મોટા બાપુજી બપોરની ગાડીમાં જ નાસિક ચાલ્યા જવાના હતા. કોઈ વાણિયાનો દીકરો વઢવેડ કરવા બેસી ન રહે, બે'ન !"

24

સસરાનું ઘર


વળતા દિવસના સવારે આઠેક વાગ્યે તેજપુર સ્ટેશન આવ્યું. પેઢીની શાખા પરનો ગુમાસ્તો સામે લેવા આવ્યો હતો. તેને ઘેર જઈને જમવાનું આટોપ્યા પછી થોરવાડ જવા માટે જલદી ગાડું જોડાવ્યું. "ટાઢો પહોર થયે નીકળજો, ઘેરે બધું તૈયાર ટપ્પે છે, નોકરચાકર પણ હાજર ઊભા હશે. રસોઈ માટે હું ગોરને પણ ગોઠવતો આવેલ છું." આવું ઘણુંય મહેતાએ સમજાવ્યા છતાં 'વેળાસર પોં'ચી જઈએ' એમ કહી ભાભુએ વિદાય લીધી.

રસ્તામાં ભાભુએ સાથેના વોળાવિયાને પૂછપરછ કરવા માંડી :

"રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે ને?"

રૂપાવટી શબ્દે સુશીલાને ચમકાવી.

"અરધોક ગાઉ ફેરમાં રહી જાય છે, બા." વોળાવિયાએ કહ્યું.

"ત્યાં દીપચંદ શેઠને ઓળખો?"

"કેમ ન ઓળખીએ, બા? આજ ભલે ભાંગી ગયા, પણ ખોરડું તો અસલ ખોરડું ને!"

"એના ઘરમાં મંદવાડ હતો, તો તેનું કેમ છે?"

"હાલ્યા કરે છે. બે દી સાજા તો બે દી માંદા, એમ રહે છે. દીપચંદ શેઠની પંડ્યની ચાકરી જબરી ને, બે'ન! બાયડીની ચાકરી કરતલ તો દીપો શેઠ એક જ ભાળ્યા!"