પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આપણે એ મારગે જ ગાડું લેવરાવજો, ભાઈ. દીપા શેઠને ઘેર થાતા જાવું છે."

"બહુ સારું, બા ! એ... આ ઉગમણો કેડો રૂપાવટીનો."

ગાડું નવે માર્ગે ચડ્યું. ભાભુ સુશીલાની સામે જોતાં નહોતાં, છતાં આપોઆપ સુશીલાએ પોતાનાં કપડાં સંકોર્યા. એ પોતાના સસરાને ઘેર જઈ રહી હતી, તેનું મૂંગું ભાન થયું. ભાભુએ આ ત્રાંસી નજરે નિહાળ્યું.

રૂપાવટી ગામને રસ્તે ગાડું ચડ્યું. ત્યાર પછી દેખીતા કશા જ કારણ વિના એ કેડાની બેઉ કાંઠાની સીમોને એકીટશે જોતી જતી હતી. એ શું જોતી હતી તેનું ભાભુની ત્રાંસી આંખો ધ્યાન રાખવા લાગી. કોઈક અદૃશ્ય નોંધપોથીમાં ભાભુ સુશીલાના મોં નો પ્રત્યેક ભાવ ટપકાવતાં ગયાં.

નજીક ચાલી આવતી દિવાળીના બાજરાને બપોરનો તાપ પકવતો હતો. તે સુશીલાને મન માંડ માંડ જોવા મળેલી વસ્તુ હતી. આટલં કુમળાં છોડવાં પર આવાં પ્રખર અગ્નિવર્ષણ !

"હેં ભાભુ," એણે પૂછ્યું : "છોડવા બળી નહીં જતા હોય?"

"ના બે'ન," ભાભુએ જવાબ દીધો : "આટલા આટલા તાપ વગર દાણો પાકો જ ન થાય."

પાંખા પાંખા ડૂંડા; ધડા વગરની મોલાતનું વાવેતર; ક્યાંઈક ભૂખડી બાજરો, તો ક્યાંઈક પ્રમાણ બહારનો કપાસ; તો ક્યાંક વળી કંગાલ ઉદ્યમવંતોની વચ્ચે આળસુ બાવાઓ જેવાં પડતર ખેતરો; એને સાચવનારાં માનવીનું ક્યાંઈક જ વિરલ દર્શન.

સીમ જોતી સુશીલાએ જરૂરજોતા બેચાર પ્રશ્નો પૂછવા ઉપરાંત કશો જ કંટાળો, ' એ મા રે !' એવો કશો જ મુંબઈગરો ભયોચ્ચાર બહાર પાડ્યો નહીં. ભાભુની ગુપ્ત નોંધપોથીમાં પટ પટ આ અક્ષરો પડતા ગયા.

'દીપો શેઠ : જબ્બર ચાકરી કરનાર આદમી : ઈ જેવી ચાકરી કોઈથી ન થાય.' વોળાવિયાનાં આ વચનોને સુશીલા મનમાં ને મનમાં