પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાગોળતી હતી, ત્યાં ગાડું રૂપાવટી ગામની પાદરની નદી ઊતર્યું. વેકરો પૈડાંને ગળું ગળું કરતો હતો. 'લ્યો બે'ન, પહોંચી ગયાં આપણે રૂપાવટીને પાર," એવું વાક્ય વોળાવિયાના મુખમાંથી નીકળતાંની વારે જ સુશીલાએ બહાર જોવાનું પણ બંધ કરી સાડીને વધુ સંકોડી લઈ અંગો ઢાંક્યાં. લાજનો ઘૂમટો કાઢ્યો નહીં છતાં સાડીની મથરાવટીની કોર અરધા કપાળને મઢી રહી.

"તું આંહી ગાડામાં રહીશ, બે'ન?" ભાભુએ પૂછ્યું : " તો હું એકલી ઊભે પગે જઈ આવું, તારા સા..." એટલું કહ્યા પછી પોતે સાવધાન બની એ વાક્ય અધૂરું મૂક્યું. ને સુધારેલું વાક્ય ઉચ્ચાર્યું : "સુખલાલનાં બાની તબિયત જોઈ આવું."

"હું આવું તો ? " સુશીલા સહેજ ખચકાઈને બોલી.

"તને કેમ કરી લઈ જવી ?'

"હું ત્યાં કાંઈ નહીં કરું."

'કાંઈ નહીં કરું,' એવા શબ્દોનો દેખીતો અર્થ કાંઈ જ નહોતો, છતાં એ વાક્ય એક એવો ભાવ પ્રગટ કરવાને વપરાયું હતું કે ' હું ત્યાં આવીને બહુ જ વિનયપૂર્વક વર્તીશ.'

"મંદવાડવાળા ઘરમાં તું ક્યાં આવીશ? અકળાઈ જઈશ."

આ ઉદ્ગારનો કે કટાક્ષનો જવાબ સુશીલાએ બહુ વિચિત્ર રીતનું હાસ્ય કરીને આટલો જ આપ્યો : "લે!"

એ 'લે!' ની અંદર જ ભત્રીજીએ ભાભુની પટકી પાડી નાખી અને 'લે!' કરતાં વિશેષ કશો જ ઠપકો સાંભળવાની રાહ જોયા વગર ભાભુએ ગાડું ગામમાં લેવરાવ્યું.

ગામના દરવાજામાં દાખલ થતાં જ એક ઝનૂની ખૂંટિયાએ ગાડાના ગુલામ બળદને પોતાની આઝાદીનો ચમત્કાર બતાવતું ગળું ઘુમરાવ્યું, ને ત્રાડ મારી માથું ઉછાડ્યું.

ગામની બજાર સૂનકાર હતી. ઠેકાણે ઠેકાણે થયેલાં કાદવનાં કચકાણને ચગદતું ગાડું ચોરો વટાવતું હતું ત્યારે ચોરા પરથી પણ