પૃષ્ઠ:Vevishal.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલાએ નિરુદ્યમી બે પગી-પસાયતાના ને ગામના બે-પાંચ જમીનદાર કાઠી જુવાનોના ઠઠ્ઠા શબ્દો સાંભળ્યા.

ભાભુએ જોયું કે સુશીલા નહોતી સુગાતી કે નહોતી ધડક ખાતી. મુંબઈના મકાન પાસેની સડક પર મોડી રાતે છાકટા બની નીકળતા દારૂડિયાઓનો કે અપશબ્દો કાઢતા ગુંડાઓનો વારંવાર જેને પરિચય હતો, તે સુશીલાને આ ગામડાના નવરા લોકોની વાણી સંભળીને 'ઓ મા રે!' એવો કોઈ જ ઉદ્ગાર કાઢવાનું કારણ ન લાગ્યું.

વેળાવિયાએ આગળ પહોંચી જઈને વાકેફ કરેલા દીપચંદ શેઠ - સુખલાલના બાપા - ગાડાની સામે ચાલ્યા આવતા હતા, તેનું એક ક્ષણ દર્શન કરીને સુશીલા વિનયભેર મોં ફેરવી ગઈ. ખુલ્લે શરીરે હતા, છતાં માથે પાઘડી મૂકી હતી, બેઉ હાથને ચોળતા ચોળતા ચાલ્યા આવતા હતા. ચોળી ચોળીને એ સફેદ સફેદ શું ખંખેરી નાખતા હતા ? વેળાવિયાએ આગળ આવીને ભાભુ પાસે વધાઈ ખાધી: "બાપડાં રાંધતા રાંધતા ઊઠ્યા છે."

"અરે, બચાડા જીવ !" ભાભુએ હવે સમજ પડતાં ઉદ્ગાર કાઢ્યા : "આ તો લોટવાળા હાથે જ ઊઠ્યા લાગે છે. ઠેઠ અટાણે રાંધવાનું?"

"હા," વેળાવિયાએ કહ્યું, "વહુ માંદા છે, ને વધારામાં મોટી દીકરી સૂરજનેય તાવ આવે છે. એટલે દવાદારૂ લાવતાં-કરતાં મોડું થયું લાગે છે."

સૂરજ ! એ નામ સુશીલાને કાને પડતાં જૂની સ્મૃતિ સળવળી ! સૂરજ નામ તો પોતાને એક વાર કાગળ લખનાર નણંદનું જ હતું. એ સૂરજને પોતે જવાબ કે પહોંચ પણ લખેલ નહીં. એ સૂરજે થોડીક જૂની ફાટેલ ચોપડીઓ મગાવી હતી, પણ પોતે મોકલી શકી નહોતી. એ સૂરજ...

આટલો વિચાર થયો ત્યાં તો દીપચંદ શેઠે ગાડાની નજીક આવીને ભાભુ સામે હાથ જોડ્યા : એના મોંની ત્રાંબા વરણી ચામડી સહેજ ઝાંખા પડેલા હાડાંનો રંગ ઝલકાવતી હતી.

"બે'ન ! બાપા ! તું ક્યાંથી?"

એ શબ્દો વડે એણે ભાભુને આદર