પૃષ્ઠ:Vevishal.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ પાંચ વરસ પહેલાંની કાણ કાં માંડ્ય ? પરણે છે એનાં ગીત ગા ને ! આમાં તને કાંઈ બોણી લાગે છે ? છે રતી જેવું નામ?"

"આંહીં ઠે ક થઈ રહેશે."

"રાજા બાદશા જેવી વાત કરવી રે'વા દે તું, ભાઈ ! રે'વા દે હવે. ને મારે મારી એકની એક છોકરીનો ભવ નથી સળગાવી દેવો."

બેઉ ભાઈ વચ્ચે એક જ સંતાન સુશીલા હતી. મોટા ભાઈનાં પત્નીને ફરજંદ થયેલાં, પણ જીવેલાં નહીં. સુશીલા જ એમના સકળ સંતોષનું સાધન હતી. મોટા ભાઈને વારસદાર મેળવવા માટે ફરી પરણવાનું ઘણાએ કહ્યું હતું પણ, પ્રત્યેક માણસના જીવનમાં પ્રકાશ અને છાયા બેઉ હોય છે તેમ, આ મોટા શેઠનો આત્મપ્રકાશ ચુસ્ત એકપત્નીત્વમાં પ્રકટાતો હતો. એણે તો પોતાના સમસ્ત વારસાની માલિક સુશીલાને જ માની હતી.

"પણ હવે તેનું કરવું શું?"

"કરવું તો પડશે જ ને ! જોઈએ, કામે લગાડી જોઈએ; વેળુમાંથી તેલ કાઢવા જેવી વાત લાગે છે; છતાં આપણે તો પીલી જોઈએ."

પછી તો 'પીલી જોઈએ' એ મોટા શેઠનો બોલ શબ્દશઃ સાર્થક થયો. એમણે સુખલાલને સામાન્ય ઉમેદવારની જેમ જ પેઢીના મહેનતભર્યા કામમાં ધકેલી દીધો. સુખલાલ પણ કેડ્ય બાંધીને જમાઈપણાની પરીક્ષા આપવા લાગ્યો. એણે પોતાની માનહાનિના વિચાર દૂર મેલ્યા. રાતે સૂવા જતી વેળાએ માંદી માતાના બોલનો એ જાણે માનસિક જાપ કરતો કે -

"સગપણ જો તૂટશે ને, ભાઈ, તો અમારાં જીવતરમાં ઝેર ભળી જશે."