પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીધો.

"જુઓ, આવી તો ખરીને કાકા?" ભાભુએ સામો ટૌકો કર્યો: " ને પાછી એકલીયે નથી આવી. તમારી દીકરીને પણ લેતી આવી છું."

"આંખ્યું ઠરે છે મારી, બેટા ! સો વરસનાં થાવ." સુશીલા પ્રત્યે આ કહેનાર પુરુષ સમજતો હતોકે વિજયચંદ્ર જેવા કોઈ બીજાને ક્યારનીયે વરી ચૂકેલી આ એક વખતની મારી પુત્રવધુ ઉપર મારો કશોય અધિકાર નથી રહ્યો : એ અર્થમાં જ 'તમારી દીકરી' શબ્દો યોજાયા છે.

સુશીલાની મથરાવટીને કિનાર પાદરમાં હતી તે કરતાં હજુયે વિશેષ નીચે ઊતરી હતી ને એક બાજુએ નજર પરોવીને એ આ પુરુષના લોટાવાળા હાથ જ જોઈ રહી હતી. મુંબઈ માં એણે કોઈ દિવસ કોઈ પુરુષને રાંધતો જોયો નહોતો. એને જોયા હતા માંદી અથવા રજસ્વલા પત્નીઓને પાડોશીઓની દયા પર છોડીને રેસ્ટોરાંમાં જઈ પેટ ભરી લેનારા પુરુષો. અને પોતાના ઘરમાં તો કોઈ પ્રસંગે પુરુષે રાંધ્યું હોય તેવી સ્મૃતિ નહોતી. આંહીં તો પાછો આ પુરુષ લોટવાળા એઠા હાથે બહાર મહેમાનોનું સ્વાગત કરવા આવતાં પણ શરમાયો નહોતો.

ગાડાને ખડકી નજીક લઈ જઈ બળદનાં જોતર છોડાવ્યાં. તે પછી બંને સ્ત્રીઓ ઊતરીને અંદર ગઈ. દીપચંદ શેઠ ગાડાવાળાને "હાલો ભાઈ, નીરણની ગાંસડી લઈ જાવ," એમ કહી અંદર આવ્યા ને ઓશરીમાં ઝટ ઝટ ઢોલિયો ઢાળી, ઉપર ધડકી પાથરી મહેમાનોને કહ્યું : "બેસો, બાપા!"

"ક્યાં છે મારાં કાકી ?" ભાભુએ પૂછ્યું.

"બેસો ને બે'ન, પછી એ છે ત્યાં લઈ જાઉં. ઉતાવળ શી છે?"

"ના, ના, કાકા, ત્યાં એમની પાસે જઈને બેસીશું."

"ત્યાં બેસવા કરતાં, બે'ન આંહીં ઠીક છે."

"પણ શું કારણ છે?"

"મંદવાડ વધ્યો છે ખરો ને, એટલે કાંઈક ગંદકી પણ વધે ને !