પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓરડામાં હવા બગડેલી હોય..."

"લ્યો હવે રાખો રાખો, કાકા !"

એમ બોલતાં ભાભુ ઘરની અંદર ચાલ્યાં. તેની પછવાડે સુશીલા ચાલી.

"મારા સોગંદ બે'ન," એમ બોલતા દીપચંદ શેઠે ભાભુને " એક ઘડી સાત ખમો, પછી હું તમને લઈ જાઉં - અબઘડી," એમ કહીને દૂરના એક ઓરડામાં દોડતા જઈ ઉતાવળે ઉતાવળે એક નળિયામાં ચૂલાનો દેવતા મૂકી તે પર લોબાન ભભરાવ્યો અને ત્યાં ખાટલે સૂતેલ પત્ની ને ખબર આપ્યા: "ચંપક શેઠનાં વહુ આવેલ છે, ભેળાં સુશીલા છે, તને આજ સુધી કહ્યું નથી તે કહી દ‌ઉં છું : સુખલાલના સગપણની હું મુંબઈમાં ફારગતી આપીને જ આવેલ હતો. એ ધ્યાનમાં રાખી તું વાત કરજે."

એવી ભલામણ કરી, બહાર આવી, "ચાલો બે'ન ! હવે પધારો," એ શબ્દે એણે બેઉ મહેમાનોને પત્ની પાસે લીધાં, ધડકી પાથરી દીધી. ને પછી જલદી પોતે સામેની ઓસરીએ એક ઓરડા પર પહોંચ્યો. ત્યાં પથારીએ સૂતી સૂતી તાવમાં લોચતી પુત્રીને પણ એણે સૂચના દીધી "સૂરજ ! બેટા ! મે'માન આવેલ છે. હમણાં તને આંહીં મળવા આવશે, પણ એને 'ભાભી ભાભી' કરીને બોલાવીશ મા, હોકે ? એને એવાં વેણ સારાં ન લાગે."

"હો ! કોણ ? હેં બાપા, કોણ ? ભાભી? સુશીલા ભાભી ?" સૂરજ તાવભર્યાં સળગતાં લોચન જોરથી ખોલીને પૂછવા લાગી.

"એ હેય ! છુછીલા ભાભી !" સૂરજની પથારી પાસે બેસીને એના કપાળે પોતાં મૂકતો એક છ વરસનો છોકરો જોરથી બોલી ઊઠ્યો. એણે પોતાની પસે બેઠેલી એક ચાર વર્ષની છોકરીને કહ્યું : " એ હેઈ... પોટી ! છુછીલા..."

"અરે ભાઈ ! સૌ એકસામટાં ગાંડિયાં કાં થયાં?" એમ કરીને બાપ ત્રણે બાળકોને સમજાવવા બેઠો " કોઇને 'ભાભી ભાભી' નહીં