પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પત્ની કહેતી: "સાંઠિયું ના ભારા મંગાવી રાખો, ને તલસરાં હશે એટલે દીવા જેવાં બળશે."

"અરે મૂરખી !" ધણી જવાબ દેતો : "તલસરાંનો તાપ તો ઘડીક ઘડીક જ રહે. એ બાપડી શું આંહીં બેઠી બેઠી રસોઈ કરશે, કે તલસરાં જ ચૂલામાં ઓર્યા કરશે? ને જુઓ, આ રાંધણિયાને હવે તો એક બારી મુકાવી દઈએ. મુંબઈનાં છોરુને હવા જોવે. બારી વગર તો બફાઈ જ જાય ને બાપડાં ફૂલ જેવાં!"

"તમે શીદ ચિંતા કરો છો?" પત્ની કહેતી : "વહુ આવશે તયેં તો ભગવાન મારી કાયામાં કાંટો નૈ મૂકે ? હું ઊઠી શકીશ તો તો પછી શું આવ્યા ભેળી જ વહુને હું રાંધણિયામાં પગ મૂકવા આપીશ? રામરામ કરો! રાંધણું કરાવવાની એવી નવાબી મારે નથી માણવી. આપણાં સગાં રિયાં જાડાં, ને આ રિયો ધોરી મારગ. હાલતાં ને ચાલતાં પાંચ મે'માન આપણે આંગણે ઘોડાં બાંધે - એ બધાના રોટલા ટિપાવીને અમારે આવતલ વહુને નાનપણથી જ ભડકાવી નથી મારવી. ઈ મરને બેઠાં બેઠાં સૂવે-ગૂંથે. આ તો હું સાવ અટકી પડી છું એટલે જ ઉચાટ થાય છે કે આવ્યા ભેળી જ એને નાની બાળને ચૂલો ભળાવવો પડશે."

"તું ઉચાટ કર તો તારા જેવી મૂરખી કોણ?" પતિને પોરસ ચડતો : "ખાટલે તો તું પડી છો, હું ક્યાં હરામનાં હાડકાં લઈને બેઠો છું ! વહુને ચૂલે ઝાઝું બેસવા શેનો દઈશ? બેસે તો ધમકાવી જ કાઢું, ખબર છે? એ તો આપણી સૂરજ ટે'લ ટપારો કર્યા કરશે ને હું તો 'વ‌ઉ રાંધે છે,' 'વ‌ઉ રાંધે છે,' એવો ડોળ રાખ્યે રાખ્યે તારું પાંચ દસ કે પચીસનું રાંધણું ય પો'ર દી ચડ્યે ઉડાડી મૂકીશ. તું નાહકની વહુની ફિકર કરતી કરતી શરીરને વધુ વધુ સૂકવ મા. એમ કાંઈ હું પેપડીને ખાનારો નથી ! વહુની કિંમત તારે છે - મને શું નથી? આ વહુ વગરના તો ડુંગરશીના સાત-સાત દીકરા નિરવંશ ચાલ્યા ગયા ! ને આપણી નજર સામે જ સાઠ ને પચાસ વરસના બે ઘેલાની ભાઈઓ અટાણે પૂરું ભાળતા નથી તોય છાશ માગી આવે છે, ને એકાદ રોટો ટિપાવવા સારુ