પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શુક્લને ઘરે રગરગે છે - એ શું મારા ધ્યાન બહાર છે?"

"ને રૂપિયાની કોથળિયું એમ ને એમ ઠઠી રહી," માંદી પત્ની ટાપશી પુરાવતી હતી : " હુંય ક્યાં નથી જાણતી?"

"રૂપિયાને આવેલી વહુ તો રૂપિયા જ લઈને જાયને ગાંડી! એટલા સારુ તો આ બે ભાઈયું બચાડા રૂપિયા દઈને પરણ્યા નો'તા."

"ને દુલો ભાભો, જુવો ને, રઘવાયો થઈને રૂપિયાની ફાંટ બાંધી બાંધી ફરતો'તો ને - કે ભાઈ, ગાંડી મળે તો ગાંડીનેય પરણું ! લૂલી, લંગડી, બાડી, બોબડી, આધેડ જે મળેતેને પરણું - આ એમ ને એમ સૌ એના બાપડાના રૂપિયા ચાવી ગ્યું ને એક ગાંડી આવી તેય ડાહી થઈને રૂપિયા લઈ રપૂચક થઈ ગઈ."

દીકરાની વહુ તો દુર્લભ છે : મારો દીકરો તો લીલા નાળિયેરે વર્યો છે. કાલ સવારે વહુ આવશે ત્યારે મારા ઘરમાં જાણે સામશે જ કેમ ! એ જ મને તો અટાણથી વિમાસણ થાય છે."

રાંધણિયાની સામેના જ ઓરડામાં બિછાને પડેલી માંદી વહુ સાથે આવા તડાકા ચાલુ રહેતા, રોટલા ટિપાઈ જતા, કાચરીઓ શેકાઈ જતી, ને તે પછી છેક ત્રીજે પહોરે દીપો શેઠ દાતણનો ડોયો લઈને પત્નીના ઓરડામાં ઓશરીએ બેઠા બેઠા દાંતે બાજર દેતા, વાછડીની મા તારે જીવતી હતી. ચરવા ગયેલી ગાયને ખીલે ઠેકડા મારતી વાછરડીના બેં બેં કારા કાન ફોડી નાખતા. ત્યારે દાતણ કરતો ગૃહપતિ એને સંબોધીને કહેતો કે :" વહુને આવવા દે - પછી તારી વાત છે!"

એ બધાં તો અત્યારે ભૂતકાળનાં સ્મરણાં જ બની ગયાં હતાં. મુંબઈથી આવ્યા પછી આવા તડાકા માર્યા નહોતા. ક્વચિત્ વાત નીકળતી તારે ટૂંકમાં પતાવી દેતો કે "છોકરાનો રોટલો મુંબઈ ઠર્યો; વળી ખોટની દીકરીને આડા શીદ આવવું? આંહીં ઘરે તો આખરે આવવાનું જ છે ને ! ભલે પાંચ વરસ મોડાં આવતાં. આપણી વ‌ઉવારુ, પણ કોઈકની દીકરી જ ને! જેવી આપણને સૂરજ તેવી જ એનાં માવતરને સુશીલા.”