પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાંગી નાખત ? ફારગતીની વાત ન ફૂંકી દીધી હોત તો અત્યારે આ સ્ત્રીના અંતકાળનો બેડો પાર થઇ જાત. પણ હવે તો એનું મોત બગડી ચૂક્યું.

વાછડી પોતાનું આંગળું માના આંચળના જેવું ગણી ચૂસી રહી છે તેની દીપચંદ શેઠને સરત જ પછી તો નહોતી રહી. પંથભૂલ્યા વટેમાર્ગુ જેવો એ વિચારોમાં અટવાયો હતો, ત્યાં તો ભાભુનો સાદ પડ્યો :

"કાં કાકા, ચાલો લ્યો, રોટલો ખાવા બેસો, થાળી કરી છે તમારી."

વણિક સામે જોઇ રહ્યો. હસતી ઘેલીબાઇનું હાસ્ય એને હૈયે ખૂંચ્યું, તોપણ વાણિયો ખંજર સંઘરીને સામે હસ્યો; જવાબ દીધો : "હાલો, બે'ન ! આવીને ઊભાં રિયાં ત્યાં તમનેય ઠીક લાણ મળી."

"તમારી દીકરીના કોડ પૂરા થયા ને, કાકા !"

"ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. એના હાથનો રોટલો પામું, એ કાંઇ નાની વાત છે ?"

એવું બોલતા બોલતા દીપા શેઠ પગ નીચે ઢીંચણિયું દબાવીને ખુલ્લે શરીરે, લલાટે હાથ ફેરવતા, કરચલીઓના વિધિ-લેખ વાંચતા, અંદરના ખદખદાટને પીવા મથા, રસોડાની બહારની પરસાળમાં બેઠા. એને કાંસાની થાળીમાં બાજરાના નાના નાના બે રોટલા પીરસાયા. ઘેલીબે'ને (ભાભુએ) કહ્યું : "જોયું ને, કાકા, આજકાલનાં છોકરાંએ હવે તો આમ પાટલા ઉપર થાબડી થાબડીને બાજરાના રોટલાની શોભા જ મારી નાખી ! બે હથેળીઉં વચ્ચે લોટ ટિપાતો ટિપાતો કંઇક નકશીઓ કાઢતો, તે ટાણાં તો હવે ગયાં, હો કાકા !"

"બોલો મા, બાપા, આમાં શું વાંકઘોંક છે ? આયે કોઇ ભાત્યનો રોટલો છે !"

"તમે તો વખાણ જ કરો ને ? એમ કાંઇ તમારી દીકરી રોજ રોટલો ઘડી દેવા નહીં રોકાય."

"એક વારનું રોટલાનું બટકું તો કૂતરુંય નથી ભૂલતું, બે'ન ! તો હું