પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવતો માનવી કેમ ભૂલું !"

પૂરું પીરસીને ભાભુ જરા છેટે બેઠાં બેઠાં દીપા શેઠનું ભાણું સાચવવા લાગ્યાં, અને સુશીલા બીજે બારણેથી ફરીને ફળીમાં નીકળી. એના હાથમાં એક થાળી ને તાંસળી હતાં. લાજ એણે નહોતી કાઢી, પણ સાડીની કિનાર ફક્ત વિનયસૂચક અંતરપટરૂપે ગાલ આડે ઝુલાવી હતી.

"જો બે'ન, સામેના ઓરડામાં." ભાભુએ બેઠાં બેઠાં એને ઓરડો ચીંધ્યો.

"કોને માટે ?...શું ?" દીપા શેઠે પૂછ્યું.

"એ તો લઇ જાય છે દીકરી માટે સાબુચોખાની કાંજી."

ડોસાને ફાળ પડી : અણસમજણાં છોકરાં ક્યાંઇક દાટ વળશે !

ધાણીફૂટ તાવમાં ભૂંજાતી સૂરજ તો એના બાપા સમાચાર આપી ગયા ત્યારથી જ તાવના ઘેનમાં ઢળતાં પોપચાંને જોરાવરીથી ઉઘાડી જોવા મથતી હતી. મનમાં 'સુશીલા' 'ભાભી' 'આવેલ છે' ના અસ્પષ્ટ ભણકારા ગાજતા હતા. એને કપાળે મીઠાના પાણીનાં પોતાં મૂકનાર છ વર્ષનો ગભરુ ભાઇ 'છુછીલા ભાભી'ના નામથી પરિચિત હતો. તેની ધીરજ રહી ન શકવાથી એ બે'નને પોતાં મૂકવાનું પાણી લાવવાને બહાને પણ સામે રસોડામાં જઇ આવ્યો હતો. ડોકિયું કરીને એ બાપની આજ્ઞાને આધીન રહેવા પાછો આવી ગયો હતો. પરંતુ તેની સાથે તેની નાની નાની બે આંખોમાં, તેના નાના હ્રદયમાં, તેના શ્રીફળના ગોટા સરીખા માથામાં એક મધુરા મોંનું ચિત્ર પણ આવ્યું હતું. 'છુછીલા ભાભી' આજ સુધી શબ્દરૂપિણી હતાં તે દેહધારિણી બની દેખાઇ ગયાં. છોકરાએ આવીને સૂરજને ઢંઢોળી : "બે'ન ઊઠ તો ઝટ ! હમણાં આંઇ છુછીલા ભાભી આવે છે. બે'ન, મને લછોલામાં છુગંધ આવી'તી. બે'ન, એણે માલી છામે જોયું ! એણે દાંત કાઢ્યા ! મને એકલાને... ! પોટી, તુંને નૈ...તું ને નૈ બોલાવે..."

ભાઇના એ લહેકાદાર શબ્દો સાંભળતી ચાર વર્ષની બહેનનું મોઢું