પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પહોળું થયું ને એણે ધીરે રુદનસ્વર કાઢ્યો, એટલે છોકરાએ કહ્યું :

"લે તને બોલાવછે, બોલાવછે હો ! હું એને કૈછ, હો કે !"

પા કલાકમાં બે'નના લલાટે ઝપાટાભેર મીઠાના પાણીનાં પોતાં મૂકીને એ નાનકડા છોકરાએ સૂરજનું તાવ-ઘેન ઉતાર્યું. પોપચાં ઊપડતાંની વારે જ સૂરજે ચોપાસ જોયું. એણે ત્યાં બાજુમાં જ પડેલી પોતાની પેટી ઉપર પિતાના હાટમાં આવતા કાપડના તાકા ઉપરથી ઉખેડીને પોતે ચોડેલી સુંદર સ્ત્રીઓની ને દેવીઓની તસવીરો નિહાળી. એણે મહેનત કરીને પોતાનું ઓઢણું ઓઢી લીધું, ને એ પગ ઢાંકીને મહેમાનની રાહ જોતી બેઠી. એ તાવમાં ભૂંજાતી, છતાં મહેમાનની હાજરીમાં હસતાં જ રહેવાય તે માટે મોંને મલકાટભરી સ્થિતિમાં લાવવા મથતી હતી. એને કોયડો બન્યો હતો એક જ વાતનો : બાપા શા માટે 'ભાભી' કહીને ન બોલાવવાની શિખામણ આપી ગયા ? શું મુંબઇનાં માણસોમાં ભાઇની વણપરણેલી વહુને 'ભાભી' કહેવી એ અવિવેક ગણાતો હશે? ને મેં તો આજ સુધી સુશીલાભાભી, સુશીલાભાભી જ ગોખ્યા કરેલ છે એટલે મારી જીભને ટેરવે એ જ બોલ ચડી જશે તો ? ભાભી ઊઠીને ચાલ્યાં જશે તો ? ભાભીને આંહીં મારા તાવનો પરસેવો ગંધાશે તો ? ભાભીના શરીરને હું અડીશ કેમ કરીને ? હું એને શું કહીને બોલાવીશ તો રાજી થશે ?

આવા વિચારો કરતી એ મહાકષ્ટે તૈયાર થઇ બેઠી હતી, ત્યાં તો કાંજી લઇને સુશીલા આવી. એને દેખતાં જ સૂરજ ભાન ગુમાવી બેઠી. પગે લાગવા માટે તૈયાર રાખેલા હાથ ઊપડ્યા નહીં. 'આવો ! ક્યાંથી આવ્યાં ?' એવો કશો જ હરફ મોંમાંથી ફાટ્યો નહીં, માત્ર જોઇ જ રહી. હસતી હસતી જોઇ રહી - ને પછી હસતી આંખે પાણી ઊભરાયાં.

"તમારો કાગળ મને મળ્યો હતો," સુશીલાએ નીચે બેસીને કાંજી ઠારતાં ઠારતાં કહ્યું. "એવો સરસ કાગળ મને લખતાં ન આવડ્યો એટલે હું શરમથી ન લખી શકી."

સૂરજ સુશીલાને જે ઉત્કટતાથી જોતી હતી તે કરતાં તો કેટલીય વધુ