પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉત્કટતા સૂરજના મોં પર ભમતાં સુશીલાનાં નેત્રોમાં ભરી હતી. બરાબર એ જ આંખો, ને એ જ સબૂરીભર્યું મોં : એક જ બીબામાં ઢાળેલા આ ઘાટ : એ ઘાટીલો આદમી અત્યારે મુંબઇના કયા ફૂટપાથ પર ભમતો હશો ? મારા મોટા બાપુએ જેલમાં તો નહીં નંખાવ્યો હોય ?

"તમે ચોપડીઓ મોકલેલી..." સૂરજ માંડ માંડ એક વાક્ય બોલી શકી. બોલતાં પહેલાં તો એણે કોણ જાણે કેટલીય ગળણીઓમાં એ વાક્ય ગાળ્યું હતું.

"હું મોકલવાનું ભૂલી ગયેલી." સુશીલાએ સૂરજના વાક્યમાં કટાક્ષ માન્યો.

"ના, બાપાએ કહ્યું કે એ તો એ જ તમારું બંધાવેલું પોટકું ભૂલી આવ્યા."

સુશીલાએ સસરાની ખાનદાનીનો નવો પ્રસંગ નિહાળ્યો. એણે કહ્યું :

"બીજી મંગાવી દઇશ. હું તો હજુ રોકાવાની છું."

"આંહીં ?"

"આંહીંથી સાવ પાસે - થોરવાડમાં."

"મેં દીઠું છે."

"ક્યાંથી ?"

જવાબ દેતાં સૂરજને ભારી શરમ સતાવી રહી. પણ આખરે એણે કહી દીધું : "છાણાં વીણવા એક વાર નીકળેલ તે ત્યાં પહોંચી ગયેલાં."

"ક્યારે ?"

"બે'ક મહિના થયા હશે. પાછાં આવતાં રાત પડી ગયેલી."

"તમને મોકલે છે ?"

આ પ્રશ્ન પૂછતી પૂછતી સુશીલા સુરજની બારેક વર્ષની વયનો વિચાર કરતી હતી.

"શું કરે ?" સુરજે છાણાં વીણવાની આર્થિક ફરજ સૂચિત કરી.

"બીવો નહીં ?"