પૃષ્ઠ:Vevishal.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

3

પહેલું મિલન

વ્યા બાદ ત્રણેક મહિને સુખલાલે સુશીલાને પહેલવહેલી દીઠી. વચ્ચે બે'ક વાર સસરાએ જમવા નોતર્યો હતો ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવી, જમાડીને તરત જ મોટરમાં પેઢી પર મોકલી દીધેલ. જમતાં જમતાં એણે કોઇનો ફક્ત એટલો જ ટૌંકો સાંભળેલ કે 'સુશીલાબહેનને મૂકીને મોટર પાછી જલદી લાવજો.' એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંક બહાર જાતી હશે. ભણવા જાતી હશે? ભરવા-ગૂંથવા કે સંગીત શીખવા જતી હશે? બજારમાં સાડીઓ ને સાડીઓની પિનો લેવા જતી હશે? એવા પ્રશ્નો ઊઠ્યા, ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઇના કેટલાય પ્રદેશોની ટાંટિયાતોડ કરતો રહ્યો.

પછી પેઢી પર પાછા જતી વખતે મોટરમાં મોખરે શૉફરની જોડાજોડ બેઠો, ત્યારે પાછળની કઇ સીટ પર સુશીલા કેવી છટાથી બેસતી હશે તે પણ એણે કલ્પી જોયેલું. એની ઘ્રાણેન્દ્રિરીયે મોટરમાં રહી ગયેલી કોઇ માતેલી ખુશબોના પરમાણુઓ પણ પીવા પસંદ કરેલા. પણ એ બધું એટલું તો ગ્રામ્ય પધ્ધતિનું હતું કે ન તો કદાપિ સુખલાલ એ મનોભાવોને ભાષામાં મૂકી શકે કે ન કોઇ કવિ-વાણીને પણ આવા ગ્રામીણની મનોવેદના કલ્પવાનું માફક આવે.

એક જ માણસની સુખલાલને ઇર્ષ્યા આવી હતી - મોટરના શૉફરની. એની પાસે સુશીલાનો રજેરજ ઇતિહાસ હશે. એની સામેના નાનકડા દર્પણમાં સુશીલાનું પ્રતિબિંબ રોજેરોજ પડતું હશે. સુશીલા જે કશાં તેલઅત્તરો કે પુષ્પો ધારણ કરતી હશે, તેની ખુશબોનો રાંક-ધરવ તો આ શૉફર જ કરતો હશે!

ઘણી ઘણી વાર એ બધી વાતો શૉફરને પૂછી જોવાની નાદાન ઇચ્છાને વારંવાર દાબી દેતો પોતે બેઠો રહેતો હતો – એટલે કે પેઢીનું