પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એકલા જરા બીયેં. પણ ભેગું નાનું છોકરું હોય તો પછી કોઇની બીક નહીં. કોઇ નામ ન લઇ શકે."

"આંહીં બે'નપણીઓ મળે છે ?"

"ના રે, ના."

"ભેગું કોણ આવે ?"

"આ નાનો ભાઇ છે ને ? "

સુશીલાએ એ છોકરાને નિહાળ્યો. નિહાળતાં નિહાળતાં એના પર સહાનુભૂતિ જન્મી. મનમાં મનમાં એ ગોખતો હતો : 'છુછીલા ભા-ભી-' ગોખતો ગોખતો એ એકાએક શરમાઇ ગયો. સુશીલાએ પૂછ્યું : "તમે શું કરો છો, ભાઇ ?"

સહાનુભૂતિનાં નીર બળબળતાં ચૈત્ર માસે પૃથ્વીમાંથી ફૂટતી નવી સરવાણીઓ પેઠે, સુશીલાના અંતરમાં ફૂટતાં ગયાં. આટલાં નાનાં છોકરાં શું શું વેઠી રહેલ છે, તેનો વિચાર મનને ભીંજવતો હતો.

સુશીલાનો હાથ આપોઆપ એ હેતભરપૂર, હસતા, છતાં ઓશિયાળા નાના બાળકના માથા પર ગયો.

પશુને જરા ખજવાળ કરીએ એટલે એ પોતાની મેળે જ પાસે આવે છે. પશુની એ વિશ્વાસુ લાગણી બાળકોમાં પણ હોય છે. વિશ્વાસુ બાળક નાના વાછરુની જેમ સુશીલાની નજીક ખસ્યો, પણ સુશીલાના સ્વચ્છ સુગંધી શરીરને જોઇ વધુ નજીક જઇ ભરાવાની હિંમત ન કરી શક્યો. સુશીલાના પંજા નીચે પોતાનું માથું એણે નમેલું રાખ્યું.

"આ છાપોની વાત જ તમે કાગળમાં લખી'તી ને?" સુશીલાએ બાજુની પેટી પર ચોટાડેલી કોરા કાપડ પરથી ઉખાડેલી સુંદર છાપો જોતાં જોતાં સૂરજને પૂછ્યું.

સૂરજ શરમથી નીચું જોઇ ગઇ.

"હવે તમે નિરાશ થયાં ને ?"

"કેમ ?"