પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હું ક્યાં આવડી બધી રૂપાળી છું !"

સૂરજે ફરી વાર નીચે જોઇને ફક્ત આટલું જ કહ્યું : "છો."

ઘૂંટણ પર માથું રાખ્યે રાખ્યે સૂરજે એ છાપો સામેથી સુશીલા સામે, ને સુશીલા સામેથી છાપો સામે આંખોને દોડાવ્યા કરી. એની પાંપણનો પ્રત્યેક પટપટાટ જો બોલી શકતો હોય તો ઉપરાછાપરી બોલત કે "એવાં જ રૂપાળાં છો, છો, છો..."

સૂરજ બેસી બેસીને બહુ થાકી ગઇ. એનું મોં તાવ ચડવાથી વધુ ને વધુ રાતું બન્યું. એની આંખો ધુમાડા કાઢતી હતી. એણે સુશીલાને પૂછ્યું : "હું સૂઉં ?"

"લ્યો તમને સુવાડું."

"તમારો હાથ બળશે."

"લો !"

એટલું કહી સુશીલાએ સૂરજને પથારીએ પડવામાં મદદ કરી. સૂરજે બની શક્યા તેટલા ઓછા સમયમાં સૂવાની ક્રિયા પતાવી, કેમ કે નાનેરા ભાઇની પેઠે એને પણ આ સ્વચ્છ સુગંધિત શરીરવાળી 'ભાભી'ને પોતાના તાવલા, પસીને ભીના, ગંધાતા શરીરની નજીક ન આવવું પડે એવી લાગણી હતી. આવી લાગણી સૂરજને માટે સ્વાભાવિક હતી, કેમ કે સાફ વસ્ત્રો પહેરતી વખતે પોતાને પણ એમ થતું હતું કે પોતે કશુંક બગાડી રહી છે.

પછી સુશીલાનું ધ્યાન બે વર્ષની નાની છોકરી જેને છ વર્ષના નાના ભાઇએ 'પોટી' કહી બોલાવેલી તેના તરફ ગયું. 'પોટી'ના નાકે શેડાની લીટ આવી રહેલી હતી. 'પોટી'ના મોં પર માખીઓનો મધપૂડો રચાતો હતો; છતાં પોટી રડ્યા વગરની ચુપચાપ બેઠી બેઠી, પોતાના મોંને રૂંવે રૂંવે ઠોલતી એ માખીઓનો ખેલ જોઇ રહી હતી.

જોયા પછી એકાદ મિનિટ તો સુશીલાને ચીતરી ચડી. એણે નાના છોકરાને પૂછ્યું :

"બે'નને કોઇ લૂછતું નથી ?"

"બાપા લુએ થે !"