પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કોઇ નવરાવે છે ?"

"ઇ ટો લોજ નવલાવે થે. આજ નઠી નવલાવી. ઇ ટો બાને નવલાવટા'ટા બાપા."

એમ બોલતો છોકરો કપડાનો ટુકડો લાવ્યો. નાની બે'નને લૂછવા ચાલ્યો; ત્યારે પાછી સુશીલાને પોતાના માટે શરમ આવી. એને મુંબઇની ઇસ્પિતાલ યાદ આવી. સુખલાલના ગંદા શરીરનું સ્પન્જિંગ કરતી - એરે, પેલા પડોશી દરદી કચ્છી ડોસાના કમકમાં આવે તેવાં અવયવો લૂછતી નર્સ લીના યાદ આવી. નાટકના તખ્તા પર બીમાર-સેવાના પાઠ ભજવતી કૉલેજની કન્યાઓ સાંભરી આવી.

એણે એકદમ ઊઠીને 'પોટી'નું મોં લૂછ્યું. 'પોટી' પોતાને સારું થયું કે ખરાબ તેનો કશો ફેરફાર દેખાડ્યા વગરનું મોં લઇને એમની એમ બેસી રહી. કદાચ માખીઓના ખેલમાં ભંગ પડવાને કારણે જ એ હસતી બંધ પડી.

"બા પાસે નથી જતી, બે'ન ?" સુશીલાએ પૂછ્યું.

"બાએ નાં પાલી થે," નાના છોકરાએ કહ્યું.

સુશીલાએ સૂરજ સામે જોયું.

સૂરે જોર કરીને અરધીપરધી આંખો ઉઘાડી; નાનેરા ભાઇના બોલ એણે તંદ્રાના તળિયામાંથી સાંભળ્યા હતા. પોતાની બા વિશે ભાભીના મન પર રખે કશું ઊંધુંચત્તું ભરાઇ જાય, એ બીકે એણે ખુલાસો કર્યો : "બે વર્ષછી બા માંદાં છે - પોટી છ મહિનાની હતી ત્યારથી બાએ ધાવણ છોડાવી દીધું છે. અમને કોઇને પાસે આવવા દેતાં નથી. કહે છે કે છોકરાને રોગની જીવાત લાગે."

એટલી વાત કરીને સૂરજ પોપચાં ઢાળી ગઇ.

એ વખતે જ સામા ઓરડામાંથી એક આર્તસ્વર સંભળાયો. ચમકેલી સુશીલા ઊઠીને જોવા જાય છે ત્યાં ભાભુ એની પાસે આવી પહોંચ્યાં. એના મોં પર ઉત્પાત હતો.

"શું કરછ, બે'ન ?"