પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આ છોકરાંને રમાડતી'તી."

સુશીલાના એ જવાબે ભાભુના કંઠમાં વધુ કહેવાની હિંમત મૂકી. એમણે ખબર દીધા :

"તારી સાસુની સ્થિતિ સારી નથી."

"શું થયું એકાએક ?"

"વેવિશાળ તૂટ્યાની ખબર એને હજી અત્યારે પડી. આઘાત લાગ્યો. નહીં બચે. ઇશ્વર ઇશ્વર !"

સુશીલાનું મોં લાલ થયું. એણે પૂછ્યું. "કોણે કહી દીધું ?"

"તારા સસરાએ."

"ખોટેખોટું ! ચાલો હું આવું."

"આવીશ બાપુ ?"

ભાભુની પાછળ એ ઊપડતે પગલે મરતી સાસુના ઓરડામાં પહોંચી.

ત્યાં એણે દીઠો એક અલકલ્પેલો ને અણસુણેલો દેખાવ. ગામડિયો પતિ પત્નીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે. તેના હાથ જોડાયેલા છે.

એના શરીર પર ફક્ત ફાળિયું છે. એ સાધુ સમો લાગે છે. એના મોં પર મલકાટ છે. એના હોઠ પર ફોસલામણીના શબ્દો છે : "શાંતિથી છૂટી જાવ, શાંતિથી."

સામે પડેલી પત્નીએ હાથ જોટ્યા છે, એના શ્વાસ પૂરપાટ જતા ઘોડાની પેઠ ઊપડ્યા છે. એના મોંમાં શબ્દો ફક્ત આટલા-ને તે પણ ભાંગ્યાત્રુટ્યા નીકળ છે :

"શાંતિ...થી...પ...ણ...એક...વાર એક...જ...વાર... ...મ...મ...મ...ને સુ...શી...શી...લાનાં...દ...ર... શ...ન...ક...રા... વો... એક...જ...વ...વા...ર..."

"પણ એટલીયે વળગણ શા માટે?" પતિ હસીને કહે છે: "હે આતમા ! મુક્ત થા ! મુક્ત થઇ જા ! વળગીશ મા, ક્યાંયે ઊભો રહીશ મા, હે મુસાફર આતમા !"