પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એક...વા...ર...એ...ક...જ...વ...વા...ર... પછી...ચા....લી...ની...ક...ળું..."

"આ લાવી તમારી સુશીલાને," ભાભુએ ભત્રીજીને અંદર લીધી.

"અરે અરે ! બે'ન !" વણિક બોલી ઊઠ્યો : "આંહીં, આ ટાણે ઇ ફૂલને ન લવાય!"

"ફિકર નહીં, કાકા !... સુશીલા, વંદના કર ને વિદાય દે. આ લે, આ પાણીનો ચમચો; મોંમાં દે. ને કહી દે તારે જે કહેવું હોય તે."

સુશીલાએ પાણીનો ચમચો ભરીને મરતી સ્ત્રીના મોં તરફ લંબાવ્યો. મરનારે હાથ જોડ્યા, ટગર ટગર આંખોએ તાકીને જોયું : "મારી વહુ ! મારી વહુ ! મારાં છોકરાંની મા-મા-મા-"

"બોલાય નહીં," સસરાએ પોતે બાળકને સમજાવતા હોય તેવા પ્રકારે સમજાવ્યું.

"બો...લા...ઇ...ગિ...યું ...હ...વે...નૈ....બો...લું...રજા...દિયો."

સુશીલાની ઊર્મિઓનાં ઊંડાણો ભેદીને એ મરતી સ્ત્રીનો સૂર અંદર ઊતરી ગયો. એ હમણાં જ ત્રણ માતૃહીન બાળકોને રમાડીને આવતી હતી, હમણાં જ એણે સસરાના લોટવાળા હાથ જોયા હતા, હમણાં જ એને કાને પડ્યો 'મારી વહુ'નો પોકાર.

ઘરની ધરતી પોકારતી હતી, પૃથ્વી ગાય બની બની ભાંભરતી હતી. એણે હિંમત કરી ચમચો સાસુના હોઠ વચ્ચે પહોંચાડીને કહ્યું : "બધું ખોટું છે. કોઇની મગદૂર નથી. હું આ ઘરની જ છું." વધુ એનાથી બોલી શકાયું નહીં.

"શાબાશ, મારી દીકરી," ભાભુએ એટલું કહી મોં નીચે ઢાળી દીધું; એની આંખોમાં છલછલાટ થઇ રહ્યો.

સાસુ ને સસરો બંને સામસામાં આંખો મીચી ગયાં હતાં. સસરાની આંખો ઊંડા ધ્યાનમાં વિલીન હતી. સાસુની આંખોની બહારના ખાડામાં અક્કેક અશ્રુકરણ હતું. {[nop}}