પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલા પણ રડતી હતી.

સસરાના કંઠમાંથી ધીરે ધીરે ઘનગંભીર ઉચ્ચાર ઊઠતો : "નમો અરિહં...તાણં...નમો..."

હતો તો ગામડાનો વણિક, પણ કંઠમાં ગાંભીર્ય હતું. સાધુઓ-મુનિરાજો ગામડામાં ઝાઝું નહોતા આવતા તેથી આ વણિકની ધર્મભાવના વધુ વિશુધ્ધ અને સ્વયંસ્ફુરિત રહી હતી.

મૃત્યુ સમયની પ્રત્યેક પળને ધર્મની અમૂલખ પળ માનનાર આ માનવી ધર્મસ્ત્રોતને ગુંજવામાં પૃથ્વી પરનું સર્વસ્વ ભૂલી ગયો.

ફક્ત એક અવાજ એના આત્માના એકલ પરિભ્રમણમાં એની પાછળ પાછળ આવતો હતો...

'હું આ ઘરની છું.'

કાળ-સરિતાના સામા પારથી આવતો હતો શું એ અવાજ ?

ધર્મસ્તોત્રોના જાપ પરથી એનો કંઠ પાછો પૃથ્વી પર ઊતર્યો. એણે થોડીક આંખો ઉઘાડીને પત્નીને દીઠી. ખોળિયું હજીય પ્રાણના ધબકારા મારતું હતું, આંખોના દેવતા હજુય અણબુઝાયા હતા. એક બાજુ સુશીલા હાથ જોડીને ઊભી હતી, બીજુ બાજુ ભાભુ મોંએ હાથ માંડીને કંઇક મનમાં મનમાં ગુંજતાં હતાં. પતિએ પત્નીને સંબોધીને કહ્યું :

"આપણો પચીસ વર્ષનો સંસાર આજ પૂરો થાય છે. તમે મને કદી ઊંચે સાદે બોલ્યાં નથી. તમે મારી આબરૂ ઢાંકીને બેઠાં હતાં. હું માગું છું માત્ર એટલું જ -આવતે ભવ તમારે જ પેટ અવતાર મળજો..."

સુશીલા સાંભળતી હતી, સાંભળી સાંભળીને વિસ્મય પામતી હતી. આજનો ધણી જે પત્નીને ઉદરે આવતા જન્મનો બાળક બનવા પ્રાર્થે છે, તેનાં અંતરનાં કેવાં વહાલ હશે ! બેઉ વચ્ચે કેટકેટલી લેણાદેવી હશે !

પતિએ તૂટેલો વાણી-તાર ફરી સાંધ્યો :

"છોકરાંની ફિકર કરશો મા. છોકરાં તો આંહીં તમારી થાપણ છે. જ્યાં જાવ ત્યાં બેઠાં બેઠાં મારી આટલી આંટ નભાવજો. છોકરાંને હું નહીં કોચવું."

"તમારી વાંસે ધરમાદો તો શું સંભળાવું? ત્રેવડ રહી નથી. આટલું