પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ ભાતું બાંધતા જાવ : કે આપણા ગામમાં જેની ચાકરી કોઇ નહીં કરતું હોય તેવાં માંદાંની હું પથારી વેઠીશ, ને સંસારમાં એકલા થઇ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે તેની હું ચાકરી કરીશ. તમારા જીવને ગત કરો."

તે વખતે બીમારના દેહે છેલ્લાં ત્રણ ડચકાં ખાધાં. વૃધ્ધે કહ્યું : "સુશીલા, બેટા, હવે તમે જાવ."

ધ્રુસકાં ખાતી સુશીલાને ભાભુએ બહાર જઇ કહ્યું : "મોં લૂછી નાખ, બે'ન; ને હિંમતથી સામે ઓરડે જઇ છોકરાંને સાચવ."


26

અનુકંપાની પહેલી સરવાણી


મુંબઇની એક નાની પોસ્ટ-ઑફિસમાં રજિસ્ટર લેવાતાં હતાં, તે બારીએ હાથમાં એક પરબીડિયું લઇને ઊભેલા સુખલાલની પીઠ જ ફક્ત અંદર જનારને દેખાતી હતી. એ પીઠ તો હવે જોવા જેવી પણ થઇ હતી ખરી ને ! એ પીઠ ધીરે ધીરે બાજઠનો ઘાટ ધારણ કરતી હતી. પીઠ પરના ડગલામાંથી કરચલીઓ રોજરોજ રજા લેતી હતી.

એ ઝાઝી વાર ઊભો રહ્યો. છતાં ટપાલનો ક્લાર્ક પોતાના ચોપડામાંથી માથું ઊંચું કરતો નહોતો.

બારીના લાકડા પર પરબીડિયાના ટપાકા કરીને સુખલાલે ક્લાર્કનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. જવાબમાં ક્લાર્કે માથું ઊંચકીને ભવાં ચડાવીને સુખલાલને પોતાની સભાનતાનો પરિચય આપ્યો :

"ઉતાવળ હોય તો એક આંટો મારીને પછી આવો ને, મિસ્તર !"

"આંટો મારવો પરવડે તેમ નથી માટે તો ઉતાવળ કરું છું," સુખલાલે કહ્યું.