પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તો કાલે આવજો."

"કાંઇ કારણ પણ ?"

"તમારા કામ સિવાય બીજાં પણ કામ હોય છે અમારે."

દિવાળી ટાણાના વાસણ-વેચાણના તડામાર કામમાંથી મહામહેનતે સમય કાઢીને બાપ પર રૂ. ૫૦નું રજિસ્ટર કરવા આવેલો સુખલાલ આવા અનુભવથી ઝંખવાઇ પડ્યો. ઘર છોડીને છ મહિનાથી આવેલો છતાં એક રૂપિયો પણ ઘેર નહીં મોકલી શકેલો, તે લજ્જાનું સાટું વાળવાની તેના હ્રદયની તાલાવેલીની ટપાલના કારકુનને ખબર નહોતી - ખબર પડવાની સંભાવના પણ ક્યાં હતી ?

રૂપાવટીમાં ઘેર માંદી માને ખાટલે ઝટ રૂપિયા પચાસ પહોંચે તેટલી જ તેના મનની અબળખા હતી. માની આંખો મીંચાય તે પૂર્વે માને એટલી જ ખાતરી કરાવવી હતી કે, મા હું રળી શકું છું, રળતો થઇ ગયો છું, ને હવે હું બૂઢા બાપની ને નાનાં ભાંડુઓની રોટલી પૃથ્વીને પાટુ મારીને પણ પેદા કરી લઇશ. જીવનનાં બાવીશ વર્ષો સુધી બાપની જ કમાઇનાં અન્નવસ્ત્ર વાપરી વાપરીને યૌવનમાં પહોંચેલો પુત્ર કમાઇ ન કરી શકે ત્યાં સુધી તેનો જીવ થાળે પડતો નથી. પોતાની કમાઇનું એ સૌ પહેલી વારનું પરબીડિયું આજે જાણે એના જીવતા પુરુષાતનની ભુજા ઝાટકતું માંદી માના બિછાના પાસે પહોંચવા તલસતું હતું. ઊભો ઊભો સુખલાલ કલ્પના કરતો હતો કે ચાર જ દિવસ પછીના એક બપોરે રૂપાવટી ગામમાં તેજપુરનો પોસ્ટમૅન જબ્બર એક ચમત્કાર કરશે, ને ગામ વાહ વાહ બોલશે.

આવી તીવ્ર ઉત્કંઠાએ ઊંચા કરેલા એ યુવાનના મસ્તક પર પોતે કેવો લાફો લગાવી રહેલ છે, તેની ટપાલના ક્લાર્કને ખબર નહોતી. એનો પદાઘાત પામેલ સુખલાલ બોલ્યા વગર ન રહી શક્યો કે, "માસ્તરસાહેબ, જરાક માણસાઇ રાખતા જાઓ, માણસાઇ !"

"ચૂપ," ક્લાર્કે ચોપડો બંધ કરીને ઊભા થઇ ડોળા કાઢ્યા. એટલે સુખલાલે ખુશાલભાઇ સમા પારસમણિને પ્રતાપે શીખેલો ઈલમ