પૃષ્ઠ:Vevishal.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામ કર્યા કરતો.

ત્રણેક મહિના પછી કેરીની ભરપૂર મોસમ હતી. અમાસની રજા આવતી હતી. મોટા શેઠને બહુ બહુ સતાવી રહેનારું એક ગૂમડું માંડમાંડ મટ્યું હતું, એટલે એમની ઇચ્છાથી આખા કુટુંબની તેમ જ પેઢીના સ્ટાફની એક ઉજાણી ગોઠવાઇ હતી. જી.આઇ.પી. રેલવેના એક પરામાં પહાડોની નજીક સ્નેહીઓનો એક ખાલી બંગલો હતો. ચૌદશની આગલી આખી રાત સ્ટાફના જુવાનોએ મીઠાના માટલાથી માંડીને કેરીના ટોપલા સુધીની તમામ ચીજો ત્યાં પહોંચતી કરવાની ધમાલ બોલાવી.

સુખલાલ એ વૈતરામાં શામિલ હતો. મુંબઇ આવ્યા પછી એના શરીરને પૂરતું પોષણ મળતું નહીં, કેમકે એને રાતદિવસ એક બાજુથી થોરવાડનાં કુટુંબીજનોના અને બીજી બાજુ સુશીલાના વિચારો કર્યા જ કરવાની ટેવ પડી હતી. આ રાત્રીએ એણે વધુ જોરથી મહેનત કરી, કેમકે આખા દિવસની ઉજાણીમાં ક્યાંઇક ને ક્યાંઇક એકાદી વાર તો સુશીલાને જોઈ લેવાની એને ધારણા હતી. એ ધારણાના કૃત્રિમ જોર પર વધુ પડતો વિશ્વાસ મૂકીને સુખલાલે આખી રાત સામાનની લે-લાવ કરી. તે રાતે એની છાતીએ પહેલો સટાકો જોરથી બોલ્યો.

આ સટાકો પેઢી પર ખેંચેલી કામગીરીની પહેલી પહોંચ લઇ આવનારો કાસદ હતો. સુખલાલ પાસેથી કામ લેવાની ગુમાસ્તાઓની આવડતનો એ અંજામ હતો.

'ક્યાં ગયા સુખલાલ શેઠ?શું કરે છે સુખલાલ શેઠ?' આ કામ એમને બહુ ફાવશે!' વગેરે વગેરે વાક્યો પેઢીના નોકરો સુખલાલ જો જરીકે પગ વાળીને બેઠો હોય તો તરત જ શેઠના સાંભળ્યામાં આવે એ રીતે બોલતા. એટલે સુખલાલ જ્યાં હોય ત્યાંથી બેઠો થઇ જતો. નોકરોને એ રીતે સુખલાલ આમોદનું તેમ જ રાહતનું સાધન થઇ પડેલો. આંહીં ઉજાણીમાં પણ સુખલાલને એ જ બીક લાગી, એટલે એણે પેઢી માંહ્યલા મુખ્ય મશ્કરીખોર 'પ્રાણિયા' ઉર્ફે પ્રાણજીવનને હાથેપગે લાગી ફકત કેરીનો રસ કાઢવા જ બેસી જવાની મહેરબાની માગી લીધી.