પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છતાંય મુશ્કેલ બની ગયું, ને એનાથી જવાબ અપાઇ ગયો :

"ઠીક છે." છતાં એને ભોંઠપ તો આવી કે આ ભાઇસા'બ મારી પાછળ ક્યારના ઊભેલા હશે ? હમણાં બનેલો તમાશો ને મેં ઉચ્ચારેલાં વાક્યો એમણે માણેલ તો નહીં હોય !

"તમને હરકત ન હોય તો ચાલો - જરા ચહા પીયેં," એમ કહેતે નાના શેઠે સુખલાલ સામે કુમાશભરી નજરે જોયું.

એ આંખો સુશીલાના જનકની હતી. અત્યાર સુધી ધારીને કદી ન જોયેલી એ આંખો પર તે ક્ષણે સુખલલાની નજર થંભી. થંભતાં જ એ આંખોમાંથી કાલાવાલાના હાથ લંબાતા દેખાયા.

"ચાલો," કહીને સુખલાલે સાથે કદમો માંડ્યા. રસ્તામાં નાના શેઠે પોતાની ભૂખ ઉપર પ્રવચન માંડ્યું : "હમણાં હમણાં સાલી ભૂખ બહુ કકડીને લાગે છે. હમણાં હું મોટરમાં નથી બેસતો - ચાલીને જ આવું છું ને જાઉં છું. ને સવારે બહુ વહેલો જમીને નીકળી પડું છું, એટલે અત્યાર થાય છે ત્યાં તો પેટમાં ગલૂડિયાં બોલતાં હોય છે. પેઢી પર નાસ્તો મગાવીને ઓરડામાં એકલા બેસી ખાવું મને ગમતું નથી. એટલે પછી છાનોમાનો બહાર જ નીકળી જાઉં છું. તમને કેવીક ભૂખ લાગે છે ? આંહીં કરતાં દેશમાં વધુ લાગે, હો ! દેશનું તો પાણી કાંઇ ! ઓહો ! વા ! વા ! શું વાત કરું ! આંહીં તો મૂળ શિયાળો જ ન મળે ને ! મોંમાંથી ધુમાડા કોઇ દી તમે નીકળતા જોયા છે ! નહીં જુઓ. મુંબઇ તો હાથિયુંનાંય હાડ બાફી નાખનારી ગરમાગરમ નગરી."

વગેરે વગેરે પ્રવચનમાં પોતાના બાળક સમા ભોળપણને વહેતું મૂકનારા નાના શેઠે એક ખાંચામાં આવેલી રેસ્ટોરાંનાં પગથિયાં ચડતે ચડતે કોણ જાણે શાથી પણ સુખલાલને ખંભે હાથ મૂકીને ટેકો લીધો. ટેકવાઇને એ પગથિયા પર ઘડી ઊભા રહી ગયા. એની આંખો મીંચાઇ ગઇ હતી. થોડીક વારે આંખો ખોલીને એણે હસતે હસતે સુખલાલને કહ્યું : "ચાલો હવે, એ તો સહેજ હમણે હમણે એવું થઈ જાય છે."