પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતું હો - સોંગદપૂર્વક કહું છું," એમ કહેતા કહેતા નાના શેઠ જે મુખભાવે જોઇ રહ્યા તેમાં લુચ્ચાઇ કરતાં બેવકૂફી જ વિશેષ હતી એવું સુખલાલને લાગ્યું.

સુખલાલે કશું પૂછ્યું નહીં - પૂછવાનો વિચાર કરવા પણ એનું મન નવરું નહોતું, કેમ કે એ તો લાગી પડેલો આ માણના મોંને ખોતરી ખોતરીને ત્યાં દટાયેલા સુશીલાના મોંને બહાર કાઢવા ! એણે ન પૂછ્યું તોપણ નાના શેઠે મોંમાં પાંઉરોટીનો ટુકડો મૂકતે મૂકતે કહ્યું: "તમે પૂછશો કે તો પછી કેમ ન આવ્યા? પણ શું કરું, ભાઇ! મોટાભાઇને લપછપ ઝાઝી ગમે નહીં ને! અરે, મારે ક્યાંઇક નાટક-સિનેમામાં જવું હોય તોય મોટાભાઇ રોકે કે, નાનુ, તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે."

પોતાની માંગણી અને નાટક-સિનેમા, બેઉને, એક જ કક્ષામાં ખપાવનારો આ ભૂતકાલીન સસરો ગજબ બેવકૂફ, ભાઇ! આની સાથે આજ ક્યાંથી પનારું પડ્યું ! આ તે વીશ વર્ષની છોકરીનો આડત્રીશેક વર્ષનો બાપ છે કે મોટાભાઇની આંગળીએ વળગીને સંસારમાં પા પા પગલી માંડતો કોઇ બચુડો છે! સુખલાલ કંટાળતો હતો - પણ વળી બીજી જ ક્ષણે એને દયા ખાવાનું દિલ થઇ આવતું.

ચા-નાસ્તો પતાવી લીધા પછી નાના શેઠે મોં પર બે આંગળીઓ મૂકવાની ઇશારત કરીને સુખલાલને પૂછ્યું: "તમને કાંઇ આનો વાંધો નથી ને?"

"હું નથી પીતો." સુખલાલ સિગારેટી વાત સમજી જઇને બોલ્યો.

"એમ તો હુંય નથી પીતો. પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે, ને એટલે આંહીં આવીને એકાદ પીઉં છું - એકાદ, વધુ કોઇ દા'ડો નહીં, હો! મોટાભાઇને બહુ ચીડ છે. નાનપણમાં મને એક વાર મારેલો, હાડકાં ખોખરાં કરી નાખેલાં, એટલે આ તો આંહીં જરા દિલને ગોઠતું ન હોય તો વાત વિસારે પડે એટલા સારુ - અને તમને પણ વાંધો ન હોય તો જ હો !"