પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મને કાંઇ વાંધો નથી."

"તો બસ - તો પછી બસ," એવું કહીને બેવકૂફ બાળકની અદાથી હસતે હસતે એણે વેઇટર પાસે એક સિગારેટ મંગાવીને સળગાળી. દરમિયાન સુખલાલ "હું હાથ ધોઇને આવું છું," એમ કહીને કૅબિનની બહાર ગયો. થોડી વારે પાછો આવીને બેઠો. પછી બન્ને જણ ઊઠીન બહાર નીકળ્યા. કાઉન્ટર (થડા) પાસે આવતાં નાના શેઠે પૈસા ચૂકવવા ગજવામાં હાથ નાખ્યો એટલે કહ્યું:

"ચાલો, હવે ચાલો."

"થોભો, હું બિલ ચૂકવી લઉં."

"એ તો થઈ ગયું !"

કાઉન્ટ પર બેઠેલો ઇરાની હસતો હતો.

નાના શેઠ થોડી વાર તો હાથમાં ઉઘાડેલું ખીસાપાકીટ અને તેમાંથી કાઢેલી રૂપિયા પાંચની નોટ ઝાલી થંભી જ ગયા, કાંઇ બોલી ન શક્યા. શરમિંદ બનીને ધીરે ધીરે નીચે ઊતર્યા ને એટલું જ બોલતા રહ્યા: "આ તો બહુ અઘટિત કર્યું, ભારી કર્યું, તમે મને છેતર્યો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે, બાપુ તમે તો બહુ ભોળા છો; કોઇક તમને છેતરી જશે."

આ શબ્દો બોલતાં તો બોલાઇ ગયા, પણ સુશીલાના નામનો ઉચ્ચાર પોતે એવે સ્થાને કરી નાખેલ છે કે જો મોટાભાઇને ખબર પડે તો માથે માછલાં ધોવાય એવી એને દહેશત લાગી. એણે પોતાને જુદા પડવાનો ખાંચો આવ્યો ત્યારે 'જે જે' કર્યા, ક્યાં રહો છો, વગેરે પૂછી લીધું, ને એમ પણ કહી દીધું કે "હું આ સિવાય બીજા કોઇ રેસ્ટોરાંમાં જતો નથી. રોજ આ વખતે જાઉં છું, મને ફેરફાર કર્યા કરવાનું ગમતું જ નથી. કેબિન પણ બનતાં સુધી આજે આપણે બેઠા હા તેની તે જ. છેવાડાની કેબિન જ મને ફાવે છે."

સુખલાલે જવાબ ન દીધો, તોપણે નાના શેઠે કહી લીધું: "જો વાંધો ન હોય તો કોઇ કોઇ વાર આંહીં આવો ! મને બીજા કોઈ જોડે