પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભજવ્યો હશે ! ન ભજવ્યો હોય તોપણ મારા પિતાનું વેર આ આખા કુટુંબને માથે વાળવાની અત્યારે જ તક હતી. એ તક મેં નાહકની જતી કરી છે. મારે એની પટકી પાડવી જોઇતી હતી; એવું કંઇક કહેવું જોઇતું હતું, કે જેથી આ માણસ પેઢી પર જઇ પોતાના મોટાભાઇ પાસે રોયા વગર રહી ન શકે. એવી થોડીક ગાળો વીણી વીણીને ચોપડાવવાની જરૂર હતી. તે દિવસ રાતે અમને વચન આપનાર કે 'કાલ આવજો, હું કાગળિયાં આપી દઇશ' તે માણસ વળતા દિવસે તો કુટુંબને પણ દેશમાં વળાવી નાખે છે, ને પોતેય પગ વચ્ચે પૂંછડી નાખીને બહારગામ ભાગી જાય છે - ત્યાંથી હજુ પાછો પણ આવેલ નથી - તે માણસ પર વેર વાળવાની ખરી તક ખોઇને મેં બેવકૂફે ઊલટાના રેસ્ટોરાંના પૈસા ચૂક્વ્યા !

બેવકૂફ તે હું કે આ સુશીલાનો બાપ ?

ઠીક છે. હવે કાલ વાત છે. બનશે તો કાલે ખુશાલભાઇને સાથે લઇને આવીશ. એ બાજુમાં હશે તો મને કાંઇક ચાનક ચડશે.

પણ નવાઇ તો મને આ થાય છે કે આવા નાદાન અને બીકણ માણસની દીકરી એટલી બધી નીડર ક્યાંથી નીવડી ! ને એ તો આવી ભોટ પણ નથી લાગતી. એ પણ પક્કી તો ખરી જ ને ! રાતે મને કહે છે કે, કાલે તમે આવશો ત્યારે વધુ વાતો કરશું. ને રાતની રાતમાં કોણ જાણે શો ગોટાળો વળી ગયો કે સવાર પડતાં જ ભાભુની સોડમાં ગરીને ભાગી નીકળી ! પક્કી લાગે છે, પક્કી. મારા પર ફક્ત ભાવ દેખાડતી હશે કે ખરેખર દિલમાં ભરેલ હશે ? ગમે તેમ હોય, પણ પેલો મોટો શેઠ જ્યાં એને પોતાની ઇસ્કામતના વારસાના ડુંગરા દેખાડતો હશે તે ઘડીએ જ એના અંતરના ભાવ સાવ થીજીને હિમ થઇ જતા હશે. એનેય એક વાર જો આ વિજયચંદ્ર જેવો તાલીમબાજ ભેટી જાય ને, તો મારા હ્રદયની પૂરેપૂરી દાઝ સંતોષાય. ભલે પછી ઇસ્કામતના ઢગલા ઉપર બેસીને માણ્યા કરે...

આમ કલ્પનાના જગતમાં સુશીલાને બાપુકી ઇસ્કામતના ઢગલા