પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇશારો પણ લખ્યો નહોતો.

નાના શેઠની કલ્પનાશક્તિને અનુમાનશક્તિ ધીરે ધીરે પોતાના વતનની ભૂમિ તરફ વળ્યાં ત્યારે એણે સુખલાલના પિતાના ગામને ને પોતાના ગામને નજીક નજીક નિહાળ્યાં. પણ સુશીલા ત્યાં કેવી રીતે પહોંચી હશે? એને તો એ ગામડિયું સાસરું ગમતું નથી એમ કહીને તો મોટાભાઇ બીજે તજગીજ કરી રહ્યા છે !

"આ જુઓ ને, મારા ફુઆના કાગળમાં ઘેલીબે'નનાં કેટલાં વખાણ લખ્યાં છે !"

એમ કહેતે ખુશાલે સૌ સાંભળે તેમ આખો કાગળ વાંચવા માંડ્યો; વાંચતાં વાંચતાં ઘેલીબે'ન(ભાભુ)ના વર્ણન પાસે એનું ગળું વારંવાર થંભતું હતું. ને આભડવા આવેલાઓનો આખો સમૂહ અંદર અંદર પૂછપરછ કરતો હતો : "ઇ ઘેલી કોણ?" "ચંપક શેઠનાં વહુ." "આપણી ઘેલી - ન ઓળખી ? સુડાવડવાળી." "લાખેણું માણસ." "પૈસાનો મદ ન મળે." "લ્યો, ઠેઠ આંહીંથી માંદી વેવાણની ચાકરી માટે દેશમાં પહોંચ્યાં."

"વહુ પણ કેટલી સુલક્ષણી !" "એને કેળવણી ઇ ઘેલીની, હો !" "મરનારનું તો મોત સુધરી ગયું ને, ભલા માણસ ! નીકર આ કળકળતા કાળમાં કોણ કોનાં સગાં ને સાંઇ !" "દીકરાની કુંવારી વહુના હાથની ચાકરી લઇને ગયાં - ભવ જીતી ગયાં !"

"બસ બસ ! મારી ફૈબાનું મોત સુધરી ગયું. ને સુખાના હાથપગ હવે જોરમાં આવ્યા."

ખુશાલના આ શબ્દોએ સૌની આંખોને એક બાજુ બેઠેલા સુખલાલ તરફ ફેરવી. પૌરુષની પૂર્ણ ગંભીરતાથી એ ચુપચાપ બેઠો હતો. વરસી ચૂકેલા મેઘ પછીનાં નેવાં સમી એની આંખો ધીરે ટીપે ટપકતી હતી. એ ધ્રુસકાં ને ડુસકાં ભરતો નહોતો, એના કંઠમાંથી અવાજ નીકળતો નહોતો; વેદનાનું એ જાણ અમૃતપાન કરતો હતો.

"હજી એક કલાક પહેલાં તો ટપાલ-ઑફિસમાં રજિસ્ટર કરતા'તા." નાના શેઠ શોકભર્યું મોં ન રાખી શકવાથી સ્મિતભર્યા હોઠે