પૃષ્ઠ:Vevishal.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અરે હવે રાખો રાખો, ભાઇસા'બ!" પ્રાણિયાએ મશ્કરી કરી, "એક દિવસ તમે જ આ બધાના ધણી થવાના છો ને? ઠાલા અમને કાં આમ ભૂંડા લગાડો?"

સુખલાલ સમજતો કે બોલનાર જે બોલે છે તેનાથી ઊલટું જ માને છે. પણ એ સમજણ સ્પષ્ટ ન થઇ શકે તેવી હતી. સુખલાલ ફક્ત "ભાઇસા'બ ભાઇસા'બ!" જ કરતો રહ્યો.

"સાંભળો!" એમ કરી પેલા મશ્કરીખોરે - સ્ટાફના 'દાદા' ગણાતા પ્રાણિયાએ - સુખલાલને એક બાજુ લઇ જઇને કહ્યું, "તમારા પેટમાં આજ પાપ છે."

"શું પાપ?"

"કહી દઉં?"

"કંઇ જ નથી."

"તમારો...ઇરાદો...આજ રોજ...આ સ્થાનને વિશે... સુશીલાબહેનને... મળવાનો... છે!"

છાતીમાં બીજો સબાકો આવ્યો. છતાં સુખલાલે હસવાનું ચાલુ રાખ્યું, ને એટલું જ કહ્યું : "મને નિરાંતે બેસીને કામ કરવા દો. મારા નામનું બુમરાણ ન મચાવશો."

"તો વચન આપો."

"શું?"

"કે સુશીલાબહેનને બિલકુલ મળવું નહીં."

"અરે ભલા માણસ, મારો જીવ જાય છે."

"એમ નહીં છોડી શકાય તમને. કૉલ આપો, કે સુશીલાબહેન ચાહીને બોલાવે તોપણ બોલવું નહીં."

"પ્રાણજીવનભાઇ, હવે તમે ચૂપ કરોને, બાપા!"

એ રગરગાટથી તો ઊલટાનો આગળ વધતો પ્રાણિયો જરા મોટે ઘાંટે કહેવા લાગ્યો કે "રૂમાલ કે વીંટી આપવાં નહીં."

“કૃપા કરીને –"