પૃષ્ઠ:Vevishal.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નજર સીધી ને સટ, સુશીલાને વારસાના શિખર બેસાડનાર જવાંમર્દ જેઠજી તરફ જ હતી.

જેઠજી ગામતરે ગયા હતા ત્યારથી આ સ્ત્રીનો રસોઇ કરવામાંથી રસ ઊડી ગયો હતો. 'આ રસોઇ કરું કે તે કરું ?' એવા બેચાર અટપટા પ્રશ્નો પૂછીને પછી પોતે જ 'શાક ને રોટલી કરું છું.' અથવા 'ખાલી ઢોકળાં કરું છું.' એવો માર્ગ કાઢી લેતી. પતિને દસ વાગ્યામાં પતાવી લેતી, એટલે, 'તમારી મરજી પડે તે કરો - હા, તે કરો - ના, તે ન કરવું હોય તો ન કરો' - એવા જવાબ વાળીને ખાઇ લેનારા પતિને બપોરે રેસ્ટોરાંનું શરણ લેવું પડતું તેમાં નવાઇ નહોતી.

દસ વાગ્યે હજુ પોતે ઢોકળાં ને તેલ ખાઇને ઊઠ્યો છે, વરિયાળી ખાતો બેઠેલ છે, ત્યાં જ એણે મુસાફરીથી ઓચિંતા પાછા ફરેલ મોટાભાઇને પ્રવેશ કરતા જોયા. જોતાં જ એના પેટમાં પડેલાં થોડાંઘણાં ઢોકળાંનાં બટકાં કોણ જાણે ક્યાંયે ઓગળી ગયાં !

મોટાભાઇ પોતાના ખંડમાં ગયા કે તરત જ સુશીલાની બાએ એક સામટી ત્રણ સગડીઓ પેટાવવા ને દાળભાત ભીંજાવવા તેમ જ બે શાક સમારવા માંડ્યાં.

"કેવી કરી જોઇ ને !" એણે ઘાટીને કહેવા માંડ્યું : "તારા નાના શેઠને કાંઇ ખાવાબાવાની ભાનસાન નહીં ! એટલે જ હું આજ ઓચિંતાની ફસાઇ પડી ને !"

થોડી વારે નાના શેઠને મોટાભાઈના ખંડમાં જવાનું તેડું આવ્યું.

"તું શું ઓલ્યા ભિખારીની માનું સનાન કરવા ગયો'તો ?" ચંપક શેઠે પહેલો જ પ્રશ્ન એવો કર્યો કે એની બુધ્ધિશક્તિનો છાકો જ નાના ભાઇ પર બેસી જાય. સ્ટેશનેથી પોતે પરબારા પેઢી પર જઇ પ્રાણિયા પાસે બધી વાત જાણી લીધી હતી.

"હા, જઇ આવ્યા ! સું પછે -" વાતને રોળીટોળી નાખતો ટૂંકો જવાબ દેતા નાના શેઠ વરિયાળી ચાવતા રહ્યા.

"તને કોણે ડા'પણ કરવા કહ્યું 'તું ?"