પૃષ્ઠ:Vevishal.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કાંઇ નહીં - ચાલ્યા કરે ઇ તો."

"ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?"

"પણ એવડું બધું શું થઇ ગયું છે?" નાના ભાઇનું મોં ગરીબડું બન્યું; ઘરમાંથી દૂર થવાના ખ્યાલમાત્રે પણ એને ચોંકાવી મૂક્યો.

"મારું મોત કરાવવા કેમ ઊભો થયો છો ? તું ભાઇ થઇને દુશ્મનનું કામ કાં કરી રહ્યો છો ?" બોલતે બોલત ચંપક શેઠના દેહનો ચરુ ઊકળતો ગયો.

"પણ મેં શું કર્યું છે ?"

"તેં શું કર્યું છે તેની તને શી શાન હોય ? એ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની સાથેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજીય એ સંબંધ કાયદાની કોરટમાં પૂરવાર થાય એવું તો કરી રહ્યો છે."

"કાયદાની કોરટ શું ? શું વાત કરો છો તમે, મોટાભાઇ ?"

"તને તો ખાવાપીવા ને ઘોંટવા સિવાય બીજું ભાન શેનું છે ? કાયદાની કોરટે ઓલ્યો સુખલાલ ચડવાનો છે !"

"ચડે નહીં; એવો નાલાયક એ છોકરો નો'ય."

"ને તને ખબર છે ને, કે આપણે સુશીલાને માટે બીજે તજવીજ કરીએ છીએ. ત્યાં શી અસર થાય ?"

"કાંઇયે ન થાય - પણ બીજે તજવીજ શીદ કરવી પડે છે ? આમાં શું ખોટું છે ? છોકરો કમાતો થયો છે."

"અરે, તારી જાતનો ! ભાઇનેય ફસાવ્યો લાગે છે -" મોટા શેઠના દાંતમાં રેતીનો કચકચાટ થયો.

"ને મારાં ભાભી અને સુશીલા તો વેવાઇને ઘેર પણ જઇ આવ્યાં એવા ખબર છે. એમને ગમ્યું તો આપણને શું ?"

"ઓહો ! એટલી બધી વાત પણ થઇ ચૂકી !"

વધુ બોલ્યા વગર મોટા શેઠ નાહવા ગયા. ત્યાંથી પાછા આવીને કહ્યું : "આજની ગાડીમાં તું દેશમાં ઊપડ - તારી ભાભીને ને છોકરીને