પૃષ્ઠ:Vevishal.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને કોનું સનાન ?"

"તમારાં વેવાણ રૂપાવટીવાળાં."

"વેવાણ જેની હોય એની - મારે તો સનાને નહીં ને સૂતકે નહીં."

"ત્યારે નાના શેઠ તો સનાનમાં ગયા'તા !"

"એમ ! ઠીક, એનો તો હું બરાબર હિસાબ લઇશ."

"પણ તમારું, બીજું કોઇ ઠેઠ રૂપાવટી જઇને અવસર ઉકેલી આવ્યું હોય તો તેનું કેમ ?"

"બીજું કોણ વળી ?"

"ભાભુ અને સુશીલાબે'ન."

"હવે ઉડાડ મા ને મને ઠાલો !"

"મારી આંખ્યુંના સમ."

"તારે ઘેર તાર આવ્યો હશે, કાં ને રોયા ?"

"મારે એકલાને ઘેર નહીં, ને ટૂંકો ટચ તારેય નહીં."

"ત્યારે ?"

"વિગતવાર ચાર પાનાં ભરીને કાગળ. તમારી દીકરીએ એની સાસુનું મોત સુધાર્યું ને જીવતર ઉજાળ્યું. તેનાં મોંફાટ વખાણ સો સનાનિયાંની વચ્ચે વંચાણાં; ને સુશીલાબે'નની તો વાહવાહ બોલી ગઇ. વળી એ બધા સુશીલપણાનો જશ કોને ચડયો ખબર છે ? નવ મહિના જેણે પેટમાં વેઠીને આટલાં મોટા કર્યાં તેને નહીં !"

"આ બધું તું શું બકબક કરી રિયો છો, મૂવા ? મને ઠેકડીએ કાં ઉડાડય ?"

"ઠેકડીએ નથી ઉડાડતો. બન્યું ઇ તલેતલ કહું છું. આ જશ ચડ્યો તમારાં જેઠાણીને. જેઠાણીએ વેવાણની છેલ્લી ઘડીએ ધરમનાં વેણ સંભળાવ્યાં, તે ઉપરાંત મા વગરનાં ત્રણ છોકરાંને લઇને જેઠાણી થોરવાડ ગ્યાં. લ્યો, આમાં એક પણ વિગત ખોટી હોય તો તમારું ખાસડું ને મારું મોઢું."

પ્રાણિયાની વાતે સુશીલાની બાને તો ચિત્રમાં આલેખ્યાં હોય તેવાં