પૃષ્ઠ:Vevishal.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરી મૂક્યાં. રોજ ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપનાર અને વ્યાવહારિક કાર્યોમાં દોડાદોડ-ટાંગાતોડ કરી પોતાનું એકલાનું જ વ્યક્તિત્વ સૌની આંખોમાં પાથરી દેનાર આ પ્રાણિયાનો પરિચય વાર્તાના પ્રારંભના ભાગમાં આપણને થઇ ચૂકલે છે.

આવા પ્રાણિયાનો પગ પ્રત્યેક શેઠ-કુટુંબમાં જડબેસલાખ હોય છે, તે વિશે તમને કોઇન શંકા નહીં હોય. આવા પ્રાણજીવનોને શેઠિયાનાં ઘરોનાં બૈરાંઓ સાથે ભારી મેળ હોય છે, કેમ કે શેઠાણીઓ સ્વામીઓ પાસે જે ચીજો નથી મગાવી શકતી તે પ્રાણિયાઓ દોડીને લાવી આપે છે. શેઠિયાઓ ઘરકામની જે ભલામણો પેઢી પર પહોંચતાં જ ભૂલી જાય છે, તે આ પ્રાણિયાઓ જ પાર કરી આપે છે. ધેરથી પાંચ-દસ વાર આવતો જે ટેલિફોન લેવા શેઠિયાઓને ફુરસદ નથી હોતી, તેનો અમલ પ્રાણિયાઓ જ કરતા હોય છે. નાટકો અને સિનેમાની ટિકિટો પ્રાણિયાઓ જ લાગવગથી મેળવી આપે છે. ગામમાં સાડીની કે પોલકાની છેલ્લામાં છેલ્લી ડિઝાઇન કઇ આવી છે તેના ખબર પ્રાણિયાઓ જ પૂરા પાડે છે, ઘરમાં માંદગી વેળા પ્રાણિયાઓ જ ઉજાગરા કરતા હોય છે, અને શેઠિયાઓ ઘર છોડ્યા પછી શું શું વાતો કરે છે, ક્યાં ક્યાં આવે-જાય છે, અને કેટલું રળે છે - ગુમાવે છે તેની બાતમી પ્રાણિયાઓ પાસેથી જ મળે છે. ઉનાળાની કેરીથી લઇ શિયાળાની ગરમ બનાત કાશ્મીરીની પરખ પ્રાણિયાઓને જ હોય છે. આવા પ્રાણિયાઓમાં રસોડા સુધી જવાની, કડકમાં કડક શબ્દે બોલવાની, મશ્કરી કરવાની તેમ જ વિનયવંતા આજ્ઞાંકિત દેખાવાની ચાતુરી હોય છે. પ્રાણિયાઓ શેઠાણીઓ ઉપર રાજ કરી શકે છે, કેમ કે શેઠાણીઓનો 'પીટ્યા', 'રોયા', 'મૂઆ' ઇત્યાદિ લાડશબ્દોનાં સંબોધનો કરવાનો શોખ આવા પ્રાણિયાઓ પર જ સંતોષાઇ શકે છે.

એટલી વાત કરીને પ્રાણિયો "લાવો, કઇ ચૂડીને ચીપ નાખવી છે ? ને કઇ બંગડીઓ ભંગાવી નાખવી છે ?" એ પૂછતો ઊભો રહ્યો.

"સાંજે આવજે." કહીને સુશીલાની બાએ એને જલદી વિદાય