પૃષ્ઠ:Vevishal.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પ્રેમપત્ર અરસપરસ આપવા નહીં."

વધુ અવાજ કાઢીને, પણ બીજા કોઇ ન સમજે તેવા ગોટાળિયા શબ્દે પ્રાણજીવન જુલ્મ કરતો રહ્યો.

"છે કબૂલ?"

"કબૂલ, ભાઇ, કબૂલ! કોણ આવવાનુ છે, ને શી વાત છે? મને મરી રહેવા દો ને, પ્રાણજીવનભાઇ!" સુખલાલે એક વિશેષ સટાકાની વેદના અનુભવી.

પ્રાણજીવને રહેમદિલી કરી. સુખલાલ રસોડાની બાજુના ખંડમાં કેરીઓ ઘોળનારાઓ સાથે બેસી ગયો. પ્રાણજીવને તમામને કહી દીધું: "સુખલાલ શેઠને આ કામ પરથી કોઇએ ઉઠાડવાના નથી, દોડાદોડ કરાવવાની નથી; એ બીમાર છે."

કેરી ઘોળતાં ઘોળતાં છાતીનો દુખાવો વધતો જતો હતો અને સૌના 'દાદા' પ્રાણજીવને ચેતાવેલા ગુમાસ્તાઓ જોકે સુખલાલની સીધી મશ્કરી નહોતા કરતા, તો પણ કોઈ કોઈ બહાને સુશીલાબહેનનું પાત્ર વચ્ચે લાવી ઊભું રાખતા.

"અરે ભાઇ, આ કેરી તો સુશીલાબહેને જ પાસ કરી - સારામાં સારી તો એમણે પાસ કરેલી જ નીવડી."

"સુશીલાબહેનને કેરીની પરખ કોણ જાણે કુદરતી જ છે, હો!"

"એ કાંઇ શીખવી થોડી શિખાય છે?"

"સુશીલાબહેન જો કાલે મોટરમાં મારી સાથે ન હોત તો મારી તો અભાગ્ય જ બોલી જાત, કેમકે મેં પાંચ મણનો જે ઢગલો પસંદ કરેલો તે માંહ્યલી - જુઓ, આ દસે દસ શેર લીધેલી તે ખાટી નીકળી. સુશીલાબહેને જ મને એ ઢગલો લેતો વાર્યો હતો. એણે કહેલું કે, દયાળિયા, મને આમાં અંદરથી ઊંડી ઊંડી ખાટી બાશ આવે છે."

"એમના મોસાળમાં આંબા ઘણા થાય છે, એટલે ત્યાંનો અનુભવ હોવો જોઇએ."

"આંબા તો આ ઓતમચંદની વહુને પિયર પણ ક્યાં ઓછા